શંકરસિંહનો BJP પર આક્ષેપ- ગોધરાની જેમ પુલવામા પણ BJPનું ષડયંત્ર

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ BJP પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ગોધરાકાંડની જેમ પુલવામા આતંકી હુમલો BJPનું જ ષડયંત્ર હતું. NCP નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, પુલવામા આતંકી હુમલામાં RDX લઈ જવા માટે જે ગાડીનો ઉપયોગ કર્યો હતો, તેનો રજિસ્ટ્રેશન નંબર ગુજરાતનો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગોધરાકાંડ પણ BJPનું જ ષડયંત્ર હતું. મીડિયા સાથે વાત કરતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, BJP ચૂંટણી જીતવા માટે આતંકવાદનો સહારો લેતી રહી છે. છેલ્લાં 5 વર્ષોમાં જ તમામ આતંકવાદી હુમલાઓ થયા.

શંકરસિંહ વાઘેલા આટલેથી અટક્યા નહોતા, તેમણે કહ્યું હતું કે, બાલાકોટ એરસ્ટ્રાઈક BJPની સમજી-વિચારીને કરવામાં આવેલી સાજિશ હતી. બાલાકોટ હુમલામાં કોઈપણ માર્યું ગયું નહોતું. ત્યાં સુધી કે કોઈ ઈન્ટરનેશનલ એજન્સી પણ એ સાબિત નથી કરી શકી કે એર સ્ટ્રાઈકમાં 200 લોકો મર્યા હતા. વાઘેલાએ વધુમાં કહ્યું હતું કે, પુલવામાને લઈને ગુપ્તચર સુત્રો પાસેથી જાણકારી મળવા છતાં કોઈ પગલાં લેવામાં નહોતા આવ્યા. તેમણે BJP પર નિશાનો સાધતા કહ્યું હતું કે, જો તમારી પાસે બાલાકોટને લઈને જાણકારી હતી તો પહેલા જ આતંકી કેમ્પો વિરુદ્ધ કાર્યવાહી શા માટે ન કરી? તમે શા માટે રાહ જોતા રહ્યા કે પુલવામા જેવી કોઈ ઘટના થાય.

BJP પર વાર કરતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, BJPનું ગુજરાત મોડલ જુઠ્ઠું છે. રાજ્ય તમામ મુશ્કેલિઓમાંથી પસાર થઈ રહ્યું છે. BJP નેતા પોતે પાર્ટીથી નારાજ છે અને તેમને લાગી રહ્યું છે કે, તે બંધુઆ મજૂર છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં 26 લોકસભા સીટો છે. અગાઉની ચૂંટણીમાં BJP તમામ સીટો પર કબ્જો જમાવવામાં સફળ રહ્યું હતું, પરંતુ આ વખતે કોંગ્રેસ અને અન્ય દળો ટક્કર આપી રહ્યા છે.