વૉટ્‌સએપ, ફેસબુક, ટિ્‌વટર માટે આધારકાર્ડ જરૂરી? : સુપ્રિમ કોર્ટ અરજી પર સુનાવણી કરશે…

ફેસબુક, ટિ્‌વટર અને વોટ્‌સએપ જેવી સોશિયલ મીડિયા સાઇટો તેમજ એપ્લિકેશન સાથે પણ શું આધાર કાર્ડને જોડવું જરૂરી બનશે? યૂઝર પ્રોફાઇલને આધાર કાર્ડ સાથે જોડવા અંગેની અરજી વિશે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગઈ છે. આ અંગે ફેસબુકે અરજી કરી હતી કે વિવિધ હાઇકોર્ટોમાં પડતર કેસોને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે. આ મામલે ચાર અરજી દાખલ કરવામાં આવી હતી જેમાંથી બે મદ્રાસ, એક ઓડિશા અને એક મુંબઈની હાઇકોર્ટમાં કરવામાં આવી હતી.
યૂઝર પ્રોફાઇલને આધાર સાથે જોડવાના કેસોને ટ્રાન્સફર કરવાની માંગણી કરતા ફેસબુકની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ગૂગલ, ટિ્‌વટર અને બીજી સોશિયલ નેટવર્કિંગ સાઇટોને નોટિસ મોકલી છે. બીજી બાજુ વોટ્‌સએપ તરફથી કહેવામાં આવ્યું છે કે પોલીસી બાબત હાઇકોર્ટ કેવી રીતે નક્કી કરી શકે. આ સંસદના અધિકાર ક્ષેત્રમાં આવે છે. વોટ્‌સએપ તરફથી કહેવામાં આવ્યું છે કે તમામ કેસનો સુપ્રીમ કોર્ટમાં ખસેડવામાં આવે જેનાથી સુપ્રીમ મામલાની સુનાવણી કરીને તેનું નિરાકરણ લાવે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દીપક ગુપ્તા અને અનિરુદ્ધ બોઝની બેંચે આધારને સોશિયલ મીડિયા સાથે જોડવાના કેસોને હાઇકોર્ટોમાંથી સુપ્રીમમાં ટ્રાન્સફર કરવાની અરજી પર કહ્યું કે, આ અંગે મદ્રાસ કોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે, પરંતુ કોર્ટ અંતિમ નિર્ણય નહીં આપે.