વેપારીઓ તો ઠીક બેન્કો પણ સિક્કા ન સ્વીકારતી હોવાની ફરિયાદો ઊઠી…

રિઝર્વ બેન્ક દ્વારા વારંવાર બેન્કોને સિક્કા સ્વીકારવા માટે સૂચના આપવામાં આવી છે…

ન્યુ દિલ્હી,
રિઝર્વ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલા ચલણી સિક્કાઓ ઘણી જગ્યાએ વેપારીઓ સ્વીકારતા નહી હોવાની બૂમો પડતી રહે છે. વેપારીઓ તો ઠીક છે દેશની બેન્કો પણ સિક્કા સ્વીકારી નહી રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
રિઝર્વ બેન્ક દ્વારા વારંવાર બેન્કોને સિક્કા સ્વીકારવા માટે સૂચના આપવામાં આવી છે. આમ છતા હજી પણ નાણા મંત્રાલય પાસે ફરિયાદો આવી રહી છે. જેના પગલે તાજેતરમાં નાણા મંત્રાલય દ્વારા બોલાવાયેલી બેઠકમાં સિક્કા નહી સ્વીકારવાના મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
એક અહેવાલ મુજબ આ બેઠકમાં ઘણી જગ્યાએ બેન્ક દ્વારા સિક્કા નહી સ્વીકારાતા હોવાનો ઉલ્લેખ થયો હતો. ખાસ કરીને યુપી, ઓરિસ્સા, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ અને નોર્થ ઈસ્ટના રાજ્યોમાં આ બેન્કોની બ્રાન્ચમાં સિક્કા નહી લેવાતા હોવાની ફરિયાદો હોવાનુ બેઠકમાં કહેવાયુ હતુ.
બેન્કો સિક્કા નહી લેવા પાછળ સ્ટાફની અછત, જગ્યાનો અભાવ અને નકલી સિક્કાના ડર જેવા કારણો આગળ ધરી રહી છે. બેઠકમાં કહેવાયુ હતુ કે બેન્કો સિક્કા નથી લેતી તેના કારણે નાના વેપારીઓ પણ સિક્કા સ્વીકારવાની ના પાડી રહ્યા છે. જેના કારણે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે.