વેક્સીન સંકટ : સીરમ પર ઉત્પાદનનુ દબાણ, ક્ષમતા વધારવા ૩૦૦૦ કરોડની જરુર…

8

ન્યુ દિલ્હી : વેક્સીન સપ્લાય પર સંકટ તોળાઈ રહ્યુ છે ત્યારે રસી બનાવનાર ભારતીય કંપની સિરમ ઈન્સ્ટિટયુટને બ્રિટિશ અને સ્વિડિશ દવા કંપની એસ્ટ્રાજેનેકાએ કાનૂની નોટિસ ફટકારી છે. આ નોટિસ ફટકારવા પાછળનુ કારણ વેક્સીન સપ્લાયમાં થઈ રહેલો વિલંબ છે.
બીજી તરફ સિરમ ઈન્સ્ટિટ્યુટે એસ્ટ્રાજેનેકાની રસી કોવીશીલ્ડના ડોઝનુ ઉત્પાદન બમણુ કરવા માટે ભારત સરકાર પાસે ગ્રાંટ સ્વરુપે ૩૦૦૦ કરોડ રુપિયાની મદદ માંગી છે. ઉલ્લેખનીય છે કે, એસ્ટ્રાજેનેકાની રસીને ભારતમાં સિરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા કોવિશીલ્ડના નામથી વેચવામાં આવે છે.
સીરમના સીઈઓ અદાર પૂનાવાલાએ એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, ભારતમાં વધી રહેલી માંગણીના કારણે અમારી ઉત્પાદન ક્ષમતા પર ભારે દબાણ છે. વેક્સીનના પ્રોડક્શનને વધારવા માટે અમારે ૩૦૦૦ કરોડ રુપિયાની જરુર પડે તેમ છે.
ભારતના બજારમાં અમે ૧૫૦થી ૧૬૦ રુપિયામાં વેક્સીન પૂરી પાડી રહ્યાં છે. જ્યારે તેની સરેરાશ કિંમત ૧૫૦૦ રુપિયા છે. મોદી સરકારના અનુરોધ પર અમે સસ્તા ભાવે રસી પૂરી પડી રહ્યા છે. એવુ નથી કે અમને નફો નથી મળી રહ્યો પણ નફાનુ પ્રમાણ વધારવાની જરુર છે. જેથી આ રકમનુ રસી ઉત્પાદન માટે રોકાણ કરી શકાય.
તેમણે કહ્યુ હતુ કે, ત્રણ હજાર કરોડ રુપિયા નાની રકમ નથી. અમે પહેલા જ હજારો કરોડ રોકી ચુક્યા છે. હવે ઉત્પાદન ક્ષમતા વધારવા માટે નવા વિકલ્પ પર ધ્યાન આપવાની જરુર છે. જુન મહિનાથી પ્રતિ માસ રસીના ૧૧ કરોડ ડોઝ બનાવી શકાશે તેવી આશા અમને છે. હાલમાં કંપની રોજ ૨૦ લાખ ડોઝ બનાવી રહી છે. બીજા દેશોને ૬ કરોડ ડોઝ નિકાસ કર્યા છે.