વિશ્વના ટોપ-૨૦ અમીરોની યાદીમાં ગૌતમ અદાણીની એન્ટ્રી…

13

એક દિવસમાં સંપત્તિમાં રૂ. ૩૬,૦૦૦ કરોડનો વધારો થયો…

મુંબઇ : વિશ્વના સૌથી ધનિકોના ક્રમાંકમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. ફોર્બ્સની યાદી મુજબ, આજે ૬ એપ્રિલના રોજ તેમની સંપત્તિમાં ૪.૯ અબજ ડોલર (આશરે રૂ. ૩૬,૦૦૦ કરોડ)થી પણ વધારેનો ગ્રોથ થયો છે અને આ સાથે જ વિશ્વના બિલિયોનેરની યાદીમાં તેઓ પહેલીવાર ૨૦મા ક્રમે પહોંચ્યા છે. ફોર્બ્સના રિયલ ટાઈમ ડેટા મુજબ, ગૌતમ અદાણીની નેટવર્થ અત્યારે ૬૧.૪ અબજ ડોલર (અંદાજે રૂ. ૪.૫ લાખ કરોડ) પર પહોંચી છે.
ફોર્બ્સ બિલિયોનેર લિસ્ટ ૨૦૨૦ મુજબ, ગૌતમ અદાણી ૮.૯ અબજ ડોલર (અંદાજે રૂ. ૬૫,૩૦૦ કરોડ)ની સંપત્તિ સાથે વિશ્વના અમીરોમાં ૧૫૫મા ક્રમે હતા. આ રીતે જોઈએ તો ૨૦૨૦ની તુલનાએ ગૌતમ અદાણીની નેટવર્થ અંદાજે ૮ ગણી વધી છે.
એક સમયે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના અમીરોની યાદીમાં ૫મા ક્રમે પહોંચી ગયા હતા, જોકે ૨૦૨૧ની શરૂઆતથી તેમની નેટવર્થમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટ મુજબ, આજે ૬ એપ્રિલે મુકેશ અંબાણીની નેટવર્થ ૧.૮ અબજ ડોલર (આશરે ૧૩,૨૦૦ કરોડ) ઘટીને ૭૬.૪ અબજ ડોલર (અંદાજે રૂ. ૫.૬૦ લાખ કરોડ) થઈ છે. આ યાદીમાં અંબાણી નીચે ઊતરીને ૧૨મા ક્રમે પહોંચ્યા છે.
મુકેશ અંબાણી અંબાણી આજે પણ ભારતના સૌથી આમિર વ્યક્તિ છે. ૨૦૨૦ મુજબ, આ બંનેની સંપત્તિ વચ્ચેનો તફાવત રૂ. ૨ લાખ કરોડ જેટલો હતો, જ્યારે આ તફાવત અત્યારે ઘટીને રૂ. ૧.૧૦ લાખ કરોડ થયો છે. અગાઉ જાણકારોએ એવું અનુમાન કર્યું હતું કે આગામી બે-ત્રણ વર્ષમાં અદાણી અને અંબાણીની સંપત્તિ એક સ્ટાર પર આવી શકે છે.