વારાણસી બેઠક પર BJPએ PM મોદી ઉપરાંત વધુ એક નેતાને ઉતાર્યા, જાણો કારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે શુક્રવારે વારાણસીમાંથી પોતાની ઉમેદવારી દાખલ કરી હતી. તેમની સાથે BJP તેમજ NDA ટોચના નેતા વારાણસી પહોંચ્યા હતા જેમાં BJP અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ, નિતિન ગડકરી, અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપરાંત NDA નેતા જેમકે પ્રકાશ સિંહ બાદલ, નિતિશ કુમાર અને ઉદ્ધવ ઠાકરને ખાસ આમંત્રણ અપાયું હતું.

વડાપ્રધાન મોદીની સાથે સાથે BJP ના એક ડમી ઉમેદવારે પણ શુક્રવારે અહીંથી ઉમેદવારપત્ર દાખલ કર્યું હતું. નિર્મલા સિંહ નામની આ ઉમેદવારે વડાપ્રધાન મોદીના ડમી ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી હતી. એક ખાસ વાતચીતમાં નિર્મલા સિંબે પોતાને પાર્ટી કાર્યકર્તા ગણાવી હતી, પરંતુ પોતાના ઉમેદવારી અંગે કોઇ પ્રતિક્રિયા આપી ન હતી.

ઉલ્લેખનીય છે કે ડમી ઉમેદવારનો ઉપયોગ પાર્ટીના અધિકૃત ઉમેદવારનું ફોર્મ રદ થવાની અવેજીમાં ભરવામાં આવે છે. કોઇક કારણસર ઉમેદવારનું ફોર્મ રદ થાય તો પાર્ટીના મેન્ડેટ પર આ ડમી ઉમેદવાર ચૂંટણી લડે છે. જો ફોર્મ રદ ન થાય તો ડમી ઉમેદવાર ફોર્મ પરત ખેંચી લે છે.