“વાયુ” વાવાઝોડું સૌરાષ્ટ્ર નજીક પહોંચ્યું, સંબધિત વિભાગોને એલર્ટ કરાયા…! જાણો…

  • આગામી ૨૪ કલાકમાં ચક્રવાતી તોફાનની આશંકા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના…

  • ૧૦૦ કિમીની ઝડપે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૧૨ અને ૧૩ જૂને વાવાઝોડા સાથે વરસાદની આગાહી…

કચ્છ,
કાળઝાળ ગરમી બાદ ઠંડક આવે તેવા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ચોમાસુ બેસવાને હવે ગણતરીના કલાકો જ બાકી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અસર જોવા મળશે. કેરળ અને મહારાષ્ટ્રમાં વરસાદ પડી ગયો છે, ત્યારે ગુજરાતને બહુ જ જલ્દી ગરમીથી રાહત મળશે. ૧૧ જૂને છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે, પણ ત્યાર બાદ ૧૨ જૂને સાંજથી વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળશે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતની જનતા અને ખાસ કરીને ખેડૂતો માટે રાહતની આગાહી કરી છે. આગાહી અનુસાર આજે ગુજરાતમાં વરસાદનું આગમન થશે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. આ સાથે જ ૧૨મી જૂને રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. તો ૧૩મી જૂને પણ રાજ્યમાં કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે અરબી સમૂદ્રમાં પણ હવાનું દબાણ સર્જાયું છે. જેથી રાજ્યની જનતાને બહુ જલદી ગરમીમાંથી રાહત મળે તે નક્કી છે. આગામી ૨૪ કલાકમાં ચક્રવાતી તોફાન આવી શકે છે. તટીય વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તોફાનની આગાહી કરાઈ છે.

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આ અસર જોવા મળશે અને ભારેથી અતિ ભારે વરસાદ થશે. ૯૦ થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. આવામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગીર, સોમનાથ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, દીવમાં અસર જોવા મળશે. તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થશે. ૧૪ તારીખે પોરબંદર જામનગર દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરીને તંત્રને એલર્ટ કરાયું છે. તમામ પોર્ટ પર નંબર ૧નું સિગ્નલ લગાવ્યું છે.

ગુજરાતમાં અમરેલીના જાફરાબાદ બંદર પર ફિશરીઝ વિભાગ દ્વારા વાવાઝોડાને પગલે ૧ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે, તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. સિગ્નલને પગલે મોટાભાગની બોટો જાફરાબાદ બંદર પર પરત પહોંચી ગઈ છે. તો બીજી તરફ પોરબંદર અને જામનગર કાંઠે પણ ૧ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.