‘વાયુ’ વાવાઝોડાને કારણે ખેડૂતોમાં આનંદની લહેર, વાવેતર ચારગણું વધ્યું

સૌથી વધારે વાવેતર મગફળી અને કપાસનું થયું છે…

અમદાવાદ,
રાજ્યમાં મેઘરાજાની સવારી આવી પહોંચતાં ગરમીથી ત્રસ્ત લોકોમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો ચોમાસાનું આગમન થતાં જગતના તાતમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. ચોમાસાને કારણે ખેડૂતોએ પૂરજોશમાં વાવણી ચાલુ કરી દીધી છે વાયુ વાવાઝોડાને કારણે વરસાદ વહેલો થતાં ખેડૂતોએ પણ વાવણી વહેલી શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ કરતાં આ વર્ષે વાવેતર ચાર ગણું વધી ગયું છે.

સરકારના આંકડાઓ પ્રમાણે, ૨૦૧૮ની સરખામણીએ ૨૦૧૯માં ખરીફ પાકના વાવેતરમાં વધારો થયો છે. ૨૦૧૯માં ૧૪.૯૯ લાખ હેક્ટર વાવેતર ખરીફ પાકનું થયું હતું. ગત વર્ષની વાવેતરમાં સરખામણીએ ૧૧.૧૮ લાખ હેક્ટરનો વધારો થયો છે. તો ચાલુ વર્ષે મગફળીનું વાવેતર ૬ લાખથી વધુ હેક્ટરમાં થયું છે. તો ૭ લાખ હેક્ટરમાં કપાસ, ૧૦ હજાર હેક્ટરમાં બાજરીનું વાવેતર કરવામાં આવ્યું છે. ૪ હજાર હેક્ટરમાં સોયાબીન અને ૨૪ હજાર હેક્ટરમાં લીલા શાકભાજીનું વાવેતર ખેડૂતોએ કર્યું છે.

રાજ્યમાં ખરીફ વાવેતરમાં ડાંગર, બાજરી, બાજરી, જુવાર, મકાઇ, તુવેર, મગ, મઠ, અડધ, મગફળી,તલ, દિવેલા. સોયાબીન, કપાસ, તમાકુ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર થયું છે. સૌથી વધારે વાવેતર મગફળી અને કપાસનું થયું છે. આ વર્ષે ચોમાસુ એક અઠવાડિયું મોડુ બેઠું છે. ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે અને છેલ્લા દિવસોમાં રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.