વાઘોડીયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે પોલીસ કોઈ પગલાં નહીં લે : ડીજીપી

60

અમદાવાદ : વડોદરામાં જાહેર સભા દરમિયાન વાઘોડીયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા પોલીસ અને કલેક્ટરને તો હું ખિસ્સામાં રાખું છું તેવા નિવેદન બદલ પોલીસ દ્વારા કોઇ સુઓમોટો કાર્યવાહી કરવામાં નહીં આવનાર હોવાનું ડીજીપી આશિષ ભાટીયાએ જણાવ્યું હતું. ધારાસભ્ય દ્વારા જાહેરમાં આ પ્રકારના નિવેદનોથી પોલીસનું મોરલ ડાઉન થાય છે ત્યારે પોલીસે આ ધારાસભ્ય સામે કોઇ કાર્યવાહી કરી કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં આશિષ ભાટીયાએ કહ્યું હતું કે ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા આ મામલે સ્ક્રુટીની કરીને કોઇ સૂચના આપવામાં આવશે તો પોલીસ કાર્યવાહી કરશે. પોલીસ પોતાની રીતે કોઇ પગલાં લેશે નહીં.
વડોદરાના વાઘોડિયાથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બે દિવસ પહેલાં જ સયાજીપુરામાં ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન વખતે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, ‘પોલીસ અને કલેક્ટરને મારા ખિસ્સામાં રાખું છું. મારો કોલર પકડવાની કોઈની તાકાત નથી. દેશ આઝાદ છે તો આપણે પણ આઝાદ છીએ.’ જોકે તેમના આ નિવેદન બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, ભાજપના નેતાઓએ સંયમ જાળવી કાયદાનું સન્માન કરવું જોઈએ. ઉપરાંત થોડા દિવસો પહેલાં જ મધુ શ્રીવાસ્તવ તેમના પુત્રને કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ અપાવવાના મુદ્દે વિવાદમાં આવ્યા હતા. ત્યાર બાદ તેમણે પત્રકારને ધમકી પણ આપી હતી.