વર્લ્ડ બ્રેઇન ટ્યૂમર ડે : બાળકોમાં ૨૬% કેન્સર માટે બ્રેઇન ટ્યૂમર્સ જવાબદાર…

દર વર્ષે ૮ જૂનનો દિવસ વર્લ્ડ બ્રેઇન ટ્યૂમર ડે તરીકે મનાવવામાં આવે છે, તેનો આશય બ્રેઇન ટ્યૂમર વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો અને લોકોને જાણકારી આપવાનો છે. ભારતમાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ટ્યૂમર્સના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જે અત્યારે ૧,૦૦,૦૦૦ની વસતિદીઠ સરેરાશ ૫થી ૧૦ની રેન્જમાં છે. જ્યારે બાળકોમાં વિવિધ પ્રકારના ૨૬ ટકા કેન્સર માટે બ્રેઇન ટ્યૂમર્સ જવાબદાર હોવાનું પણ એક સંશોધનમાં બહાર આવ્યું છે. મગજનાં કોઈ પણ ભાગમાં અસાધારણ કોષોનાં ઉત્પાદનને બ્રેઇન ટ્યૂમર કહેવાય છે. આ ગાંઠ મુખ્યત્વે બે પ્રકારની હોય છે – મેલિગ્નન્ટ ટ્યૂમર અને બીનાઇન. જ્યારે બીનાઇન બ્રેઇન ટ્યૂમર્સથી કેન્સરનું જોખમ હોતું નથી, ત્યારે મેલિગ્નન્ટ બ્રેઇન ટ્યૂમર્સ કેન્સરની ગાંઠો છે. જીવનના કોઈ પણ તબક્કામાં બ્રેઇન ટ્યૂમર થઈ શકે છે. જ્યારે કેન્સર શરીરનાં અન્ય અંગમાંથી મગજમાં પ્રસરે છે, ત્યારે મેટાસ્ટેટિક બ્રેઇન ટ્યૂમર કહેવાય છે. તમામ પ્રકારનાં કેન્સરમાંથી ૪૦ ટકા કેન્સર મગજમાં પ્રસરે છે.

બાળકોમાં મગજ અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ટ્યૂમર્સ સૌથી વધુ સામાન્ય કેન્સર પણ છે, જે બાળકોના કેન્સરમાં ૨૬ ટકા હિસ્સો ધરાવે છે. ગુજરાતમાં હાથ ધરવામાં આવેલા ૯ વર્ષના અભ્યાસ (૨૦૦૬-૨૦૧૫)માં જાણકારી મળી હતી કે, ૫થી ૧૪ વર્ષની વય જૂથનાં કુલ ૨૪૨ બાળદર્દીઓમાંથી ૭૮.૧ ટકા બાળકોને પ્રાઇમરી બ્રેઇન ટ્યૂમર હતું. મહિલાઓ (૩૫.૯ ટકા)ની સરખામણીમાં પુરુષોમાં (૬૪.૧ ટકા) બ્રેઇન ટ્યૂમર્સ સામાન્ય હતું. બ્રેઇન ટ્યૂમર વિકસવા માટેનું જાણીતું જોખમી પરિબળ રેડિયેશન છે. બ્રેઇન ટ્યૂમર માટે ફેમિલી હિસ્ટ્રી અને ઠ-રેઝનો ઊંચો ડોઝ જોખમી પરિબળો છે. અન્ય કોઈ પણ કેન્સર કરતાં બ્રેઇન ટ્યૂમર્સમાં ૪૦ વર્ષથી ઓછી વય ધરાવતા પુખ્તો અને બાળકોનું વધારે મૃત્યુ થાય છે.

બ્રેઇન ટ્યૂમરના સૌથી મોટા પડકારો પૈકીનો એક પડકાર એનું વહેલાસર નિદાન છે. બ્રેઇન ટ્યૂમરના નિદાન પર અપોલો હોસ્પિટલ્સના ડો.સોમેશ દેસાઈએ જણાવ્યું હતું કે, “બ્રેઇન ટ્યૂમરનો વહેલાસર સંકેત બહુ અસ્પષ્ટ છે અને એમાં દર્દી સ્વાસ્થ્ય સાથે સંબંધિત અનેક પડકારોમાંથી પસાર થઈ શકે છે. મગજમાં ગાંઠની સાઇઝ, એના પ્રકાર અને પોઝિશનને આધારે ચિહ્નો ચોક્કસ ન હોય એવું બની શકે છે. સામાન્ય ચિહ્નોમાં માથાનો અતિશય દુઃખાવો (સામાન્ય રીતે સવારે થાય છે), આંચકી આવવી, સતત ઊબકા અને ઊલટી અને/અથવા થાક, યાદશક્તિની સમસ્યા અને સુસ્તી સામેલ છે. કેટલાં ભાગમાં અસર થઈ છે એના આધારે વ્યક્તિ બોલવાની સમસ્યા, ચહેરામાં જડતા, દૃષ્ટિની સમસ્યા અને હલનચલનમાં ખામી જેવા ચિહ્નો અનુભવી શકે છે.