વરિષ્ઠ વકીલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ જેઠમલાણીનું ૯૫ વર્ષની ઉંમરે નિધન…

જેઠમલાણીના નિધન પર રાષ્ટ્રપતિ,વડાપ્રધાન સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું

જેઠમલાણી વાજપેયી સરકારમાં કાયદા મંત્રી ઉપરાંત શહેરી વિકાસ મંત્રી પણ રહી ચૂક્યા છે,એક કેસ માટે ૨૫ લાખ રૂપિયા ફી લેતા હતા

ન્યુ દિલ્હી,
વરિષ્ઠ વકીલ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ જેઠમલાણીનું ૯૫ વર્ષની વયે આજે નિધન થયું છે. તેમણે તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર સવારે ૭.૪૫ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. રામ જેઠમલાણી ગયા બે અઠવાડિયાથી બીમાર હતા. રામ જેઠમલાણી અટલ બિહારી વાજપેયી સરકારમાં કેન્દ્રીય કાયદા મંત્રી ઉપરાંત શહેરી વિકાસ મંત્રી હતા. તેમના પરિવારમાં તેમનો એક પુત્ર મહેશ જેઠમલાણી અને એક પુત્રી રાની જેઠમલાણી છે. મહેશ પણ એક જાણીતા વકીલ છે. મહેશે જણાવ્યું હતું કે, ૧૪ સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ હતો. આપને જાણીને કદાચ નવાઈ લાગશે કે રામ જેઠમલાણી એક કેસ માટે લગભગ ૨૫ લાખ રૂપિયા ફી લેતા હતા. કેસ પ્રત્યે તેમની ધગશ જોતા ક્લાઈન્ટ તેમને ગમે તેટલી રકમ ચૂકવવા તૈયાર રહેતા હતા.
જેઠમલાણી દરેક કેસની સુનવણી માટે પણ અલગથી ચાર્જ કરતા હતા. કોર્ટમાં તેમની એક સુનાવણીની ફી લગભગ ૧૦થી ૨૦ લાખ રૂપિયાની વચ્ચે થતી હતી. રામ જેઠમલાણી સીનિયર વકીલ હોવાની સાથે-સાથે રાજ્યસભાના સાંસદ પણ હતા.
જેઠમલાણી હાલમાં રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ના બિહારના રાજ્યસભા સાંસદ હતા. તેમણે રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધીના હત્યારાઓ અને સંસદ પર હુમલો કરવાના દોષી અફઝલ ગુરુ જેવા ચર્ચિત કેસો પણ લડ્યા હતા. જેઠમલાણીએ ચારા કૌભાંડ મામલે આરોપી લાલુ પ્રસાદ યાદવ અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અમિત શાહનો કેસ પણ લડ્યો હતો.
જેઠમલાણીના નિધન અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુઃખ વ્યક્ત કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડૂએ જેઠમલાણીના નિધન અંગે ખેદ વ્યક્ત કર્યો હતો અને તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી.તેમજ વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે, આપણે એક અસાધારણ વકીલને ગુમાવી દીધા છે. તેઓ મજબૂતાઇથી પોતાની વાત રાખવામાં પાછળ હટતા નહતા. જેઠમલાણી આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના કાર્યોને હંમેશા યાદ રાખવામાં આવશે.
ત્યાં જ અમિત શાહે ટ્‌વીટ કર્યું હતું કે, વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વના નિધન અંગે સાંભળીને દુઃખ થયું. આપણે એક અસાધારણ વકીલને જ નહીં પરંતુ એક મહાન વ્યક્તિને પણ ગુમાવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ જેઠમલાણીના નિધન પર શ્રદ્ધાંજલિ આપી હતી.
આઝાદ ભારતના ઈતિહાસમાં અનેક પ્રસંગે રામ જેઠમલાણી કોળો કોટ પહેરીને ઊભાર રહેવા જોવા મળ્યા. એક સમયે દેશના સૌથી વધુ ટેક્સ ભરનારા લોકોમાં સામેલ રહેલા જેઠમલાણીએ અનેક ચર્ચાસ્પદ મામલાઓમાં મફત કેસ લડ્યા હતા.