વરસાદના લીધે મેચ અટકે તે રમતનો સૌથી ખરાબ ભાગ છે : કોહલી

ન્યુ દિલ્હી,
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ગયાનાના પ્રોવિન્સ સ્ટેડિયમ ખાતેની પ્રથમ વનડે વરસાદના લીધે રદ થઇ હતી. તે પહેલા વરસાદના લીધે ૪ વાર મેચ અટકી હતી. છેવટે ૩૪ ઓવરની મેચ રમાશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ તેટલી રમત પણ શક્ય ન બની હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મેચ પછી કહ્યું હતું કે, વરસાદના લીધે મેચ અટકે અને ખેલાડીઓને અંદર-બહાર થવું પડે તે આ રમતનો સૌથી ખરાબ ભાગ છે.

તેણે વધુ ઉમેરતા કહ્યું હતું કે, સ્ટાર્ટ-સ્ટોપ ક્રિકેટ માટે સારી વસ્તુ નથી. પૂરેપૂરી મેચ રમાવવી જોઈએ અથવા પૂરેપૂરો વરસાદ પડી જવો જોઈએ. વરસાદના બ્રેક પછી મેદાન પર પરત ફરીએ ત્યારે અમને ખેલાડીઓ ઈજાગ્રસ્ત ન થાય તેનો દર સતત સતાવતો હોય છે. આગામી મેચો વિશે કોહલીએ કહ્યું કે, વેસ્ટ ઇન્ડિઝમાં પિચ ખેલાડીઓની પરીક્ષા લઇ શકે તેમ છે. અમુક પિચો પર બોલ ઝડપથી આવશે જયારે અમુક પિચો પર બોલ ધીમો આવશે. જે ટીમ પિચ પ્રમાણે પોતાની રમત ઢાળી શકશે તે સારું ક્રિકેટ રમીને મેચ જીતી બતાવશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી વનડે રવિવારે પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાશે.