વડોદરા શહેરમાં કોરોનાના કેસનો કુલ આંક ૧૩,૮૦૮ ઉપર પહોંચ્યો…

વડોદરા : શહેરમાં છેલ્લા ૭ મહિનાથી કોરોના વાઇરસ કહેર મચાવી રહ્યો છે. વડોદરા શહેરમાં કોરોનાના કેસનો કુલ આંક ૧૩,૮૦૮ ઉપર પહોંચી ગયો છે અને રોજેરોજ ૧૧૦ની આસપાસ નવા કેસ સામે આવી રહ્યા છે. જોકે વડોદરા શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા હવે ૨ હજારની નીચે પહોંચી ગઇ છે. વડોદરા શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ૬૧૫૭ જેટલા બેડ તૈયાર કરાયા છે.
જે પૈકી હાલ ૧૮૯૩ બેડ ભરાયેલા છે, જ્યારે ૪૨૬૪ જેટલા બેડ હજી ખાલી છે. તંત્ર કોરોનીની સ્થિતિ સામે લડવા માટે સજ્જ છે. વડોદરા શહેરમાં કોવિડ-૧૯ના આઈસીયુ, સ્પલાય બેડ અને હળવા લક્ષણોવાળા બેડ હાલ પૂરતી સંખ્યામાં ઉપબલ્ધ છે. જેમાં સૌથી હળવા લક્ષણોવાળા ૨૩૧૮ બેડ ઉપલબ્ધ છે, જ્યારે ક્રિટીકલ દર્દીઓ માટે હાલ ૫૯૭ આઇસીયુ બેડ પણ ઉપલબ્ધ છે. એક મહિના પહેલા વડોદરાની હોસ્પિટલોમાં કોવિડના દાખલ દર્દીઓની સંખ્યા ટોચે પહોંચી હતી.
વિવિધ દવાખાનાઓમાં દાખલ કોવિડ દર્દીઓની સંખ્યા સૌથી વધુ ૩૨૫૦ હતી. ત્યારબાદ ઘટાડાનો પ્રવાહ ચાલુ થયો હતો. એક મહિના પછી વડોદરાના સરકારી અને ખાનગી દવાખાનાઓમાં કોવિડના દાખલ દર્દીઓની સંખ્યા ઘટીને ૨ હજારથી ઓછી થઇ છે. ૭૫ દિવસની કોવિડ કટોકટી બાદ આ સંખ્યા ઘટીને ૧૮૯૩ થઇ છે.