વડોદરા : વિદ્યાર્થીનીઓ બોર્ડર પર સૈનિકોને બાંધવા ૧૨ હજાર રાખડીઓ મોકલશે…

વડોદરા,
વડોદરા શહેરની બરોડા હાઇસ્કૂલ બગીખાનાના ઉચ્ચ માધ્યમિક વિભાગના શિક્ષક સંજય બચ્છાવે ૫ વર્ષ પહેલા સ્વતંત્રતા દિવસની ઉજવણીના નિમિત્તે સૈનિકોને રાખડી મોકલવાની એક નવી પહેલ શરૂ કરી હતી. આ વર્ષે વડોદરા શહેરના વિદ્યાર્થી મિત્ર વડોદરા ગ્રૂપ દ્વારા વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ અનેક ગ્રૂપો પાસેથી રાખડી એકત્રીત કરીને ૧૨,૦૦૦ રાખડીઓ સૈનિકોને બોર્ડર પર મોકલવામાં આવશે. વડોદરાના વીર શહીદ જવાનોના પરિવારોએ આ પહેલને આવકારી હતી.

દેશની સરહદ પર લડતા લડતા શહીદ થયેલા આર્મી જવાન દિપક પવારની પત્ની હેતલ પવારે જણાવ્યું હતું કે, સરહદ પર લડતા વીર જવાનોને રાખડીઓ મોકલવાનો પ્રયાસ મને ખુબ જ ગમ્યો. આવી પહેલથી સરહદ પર દેશની સેવા કરતા દેશના સપૂતોને પ્રોત્સાહન મળે છે. મારા પતિ સરહદ પર દુશ્મન સામે લડતા લડતા શહીદ થયા હતા. મને તેમના પર ગર્વ છે. અત્યારે દેશની સેવા કરતા જવાનોને હું સલામ કરૂ છુ. અને તેમને પ્રોત્સાહન આપતા લોકોની કામગીરીને પણ આવકારૂ છુ.