વડોદરા : માંજલપુરમાં ૨૦૦થી વધુ લોકો ફસાયા, ૪૮ કલાકથી ખાવા-પીવાના વલખાં…

વડોદરા,
વડોદરામાં છેલ્લા ૪૮ કલાકથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા કેટલાક એપાર્ટમેન્ટસમાં પાણી ઘૂસી ગયા છે. ત્યારે માંજલપુર વિસ્તારમાં આવેલા નક્ષત્ર હેબિટેટ એપાર્ટમેન્ટમાં હજી ૨૦૦થી વધુ લોકો ફસાયેલા છે. લોકો ૪૮ કલાકથી વિજળી નથી અને ખાવા-પીવા માટે વલખાં મારી રહ્યાં છે. લોકોને પીવા માટે પાણી નથી અને ખાવા માટે ફૂડ પેકેટ અને રાહત સામગ્રી પહોંચી શકી નથી.

પાણીમાં ફસાયેલા લોકો મિત્રો-સંબંધીઓને ફોનના માધ્યમથી મદદ માંગી રહ્યાં છે. પૂરમાં ફસાયેલા એક યુવકે સવારે આણંદમાં રહેતા તેમના એક મિત્રને ફોન કરીને પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી અને ૨૦૦થી વધુ લોકો એપાર્ટમેન્ટમાં ફસાયાની જાણકારી આપી હતી. પૂરમાં ફસાયેલા યુવકના ફોનમાં બેટેરી ન હોવાથી હાલ તેમનો સંપર્ક થઈ શકતો નથી. પરંતુ હજી મોટી સંખ્યામાં લોકો પૂરમાં ફસાયેલા છે.