વડોદરા : મકાનનો સ્લેબ તૂટી પડતા દોડધામ મચી, ૭ ઇજાગ્રસ્તોને બહાર કઢાયા

વડોદરા,
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં મોડી રાત્રે મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેથી ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ૭ ઇજાગ્રસ્તોને બહાર કાઢીને લોકોને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે આ ઘટનામાં તમામ ઇજાગ્રસ્તોનો આબાદ બચાવ થયો હતો.
વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલા નવી ધરતી રાણાવાસમાં રાત્રે દોઢ વાગ્યે અચાનક જ બે માળના મકાનમાં પહેલાં માળનો સ્લેબ અચાનક જ તૂટી પડ્યો હતો. જેથી આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા. અને તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. અને ફાયર બ્રિગેડની ટીમે મકાનમાં દટાયેલા ૭ લોકોને બહાર કાઢ્યા હતા. અને તુરંત જ એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપ્યા હતા.
ઇજાગ્રસ્તોમાં ચદ્રકાંત રાણા(૪૦), નીરજ રાણા(૧૮), હાર્દિક રાણા(૨૨), શશીકાંત રાણા(૪૦), મીનાબેન રાણા(૪૨) આકાશ રાણા (૨૪) અને રજનીકાંત રાણા(૪૨)નો સમાવેશ થાય છે.