વડોદરા : બીએસએફમાં ફરજ બજાવતા જવાન આસામ બોર્ડર પર શહીદ થયા…

શહીદ જવાનના ભાઇ જગદીશ સાધુએ જણાવ્યું હતું કે, કાલે રાત્રે ૧૦ વાગ્યે બીએસએફના જવાનો અમારા ઘરે આવ્યા હતા. અને તેઓએ તેમને કહ્યું હતું કે, દુઃખદ સમાચાર છે…

વડોદરા શહેરના બીએસએફના જવાને આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન જીવ ગુમાવ્યો છે. બીએસએફ જવાન સંજય સાધુ બીએસએફમાં ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. વડોદરાના ગોરવા કરોડિયા રોડ પર આવેલી ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા શહીદ જવાનના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જોકે સંજય સાધુએ કેવી રીતે જીવ ગુમાવ્યો તે અંગે હજુ પરિવાર પણ અજાણ છે.
આસામ બોર્ડર પર ૧૮ ઓગષ્ટના રોજ સાંજે ૭ઃ૩૦ વાગ્યે બીએસએફના ઇન્સપેક્ટર સંજય સાધુ પેટ્રોલિંગમાં હતા. ત્યારે તેઓએ પશુ તસ્કરી થઇ રહી હોવાની શંકા ગઇ હતી. જેથી તેઓએ તુરંત તેમના તરફ દોડી ગયા હતા. આ સમયે સંજય સાધુનો પગ લપસી ગયો હતો. અને તેઓ નાળાના વહેતા પાણીમાં પડી ગયા હતા. જોકે તુરંત તેઓને બહાર કાઢીને બીએસએફની એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડેક્ટર્સે તેમને મૃત જાહેર કર્યાં હતા.
શહીદ જવાનના ભાઇ જગદીશ સાધુએ જણાવ્યું હતું કે, કાલે રાત્રે ૧૦ વાગ્યે બીએસએફના જવાનો અમારા ઘરે આવ્યા હતા. અને તેઓએ તેમને કહ્યું હતું કે, દુઃખદ સમાચાર છે. સંજય સાધુ હવે આપણી વચ્ચે નથી રહ્યા. બે દિવસમાં તેમનો પાર્થિવ દેહ વડોદરા લાવવામાં આવશે. જોકે તેઓએ અમને કંઇ વધારે માહિતી આપી નહોતી. મારા ભાઇ સંજયની પત્ની છે, બે છોકરી અને એક છોકરો ગાંધીનગરમાં રહે છે. તેઓએ થોડા સમય પહેલાં જ ગાંધીનગરમાં મકાન રાખ્યુ હતું. અને તહેવારોમાં વડોદરા આવતા હતા. પરંતુ અચાનક જ આ સમાચાર મળતા અમારા પરિવાર દુઃખી છીએ.