વડોદરા : જીવન જરૂરિયાતની ચીજો માટે ફાંફા, દૂધ-શાકભાજીની અછત…

  • વડોદરા કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી ખોખલી સાબિત, હજારો દુકાનોમાં પાણી…

  • તમામ પેટ્રોલ પંપો પણ બંધ, વેપારીઓને કરોડોનુ નુકસાન…

વડોદરા,
વડોદરામાં બુધવારે ૧૮ ઈંચ વરસાદ અને એ પછી વિશ્વામિત્રી નદીમાં પૂરના કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ વચ્ચે જીવન જરૂરિયાતની ચીજો માટે લોકો ફાંફા મારી રહ્યા છે.
વડોદરામાં દુધનો પુરવઠો મોટા ભાગના વિસ્તારોમાં પહોંચ્યો નથી. જે થોડા ઘણા વિસ્તારોમાં દૂધ મળતુ હતુ ત્યાં દૂધ લેવા માટે લોકોની પડાપડી અને ધક્કામુક્કી જોવા મળી હતી. શાકભાજી માટે પણ લોકોને ટળવળવુ પડ્યુ છે જ્યાં શાકભાજી મળી રહ્યા છે ત્યાં પણ બમણા અને ત્રણ ગણો ભાવ લેવાઈ રહ્યો છે.
વડોદરા શહેરમાં તમામ પેટ્રોલ પંપો પણ બંધ હોવાથી વડોદરામાં લોકો માટે પેટ્રોલની અછત સર્જાઈ છે. એક તરફ વેપારીઓ આર્થિક મંદીનો માર સહન કરી રહ્યા હતા અને બીજી તરફ આકાશમાંથી વરસાદી આફત ઉતરી હતી. કારણકે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ હદે વરસાદ ખાબકશે અને બીજી તરફ વડોદરા કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી આ હદે ખોખલી સાબિત થશે.
વરસાદે વડોદરાના તમામ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે.તેમાં પણ દુકાનોમાં પાણી ઘુસી ગયા છે.શહેરના પોશ વિસ્તાર ગણાતા અલકાપુરી વિસ્તારોમાં પણ દુકાનોમાં પાણી છે.મોટા શોપિંગ મોલ કે શોપિંગ સેન્ટરોમાં બેઝમેન્ટમાં દુકાનો ધરાવતા વેપારીઓને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે.કારણકે વરસાદના પાણી એટલી ઝડપથી દુકાનોમાં ઘુસ્યા છે કે વેપારીઓને સામાન ખસેડવાની પણ તક મળી નથી. શહેરના હાર્દ સમા નવાબજાર, મંગળબજાર વિસ્તારની દુકાનોમાં પણ પાણી ઘુસ્યા હતા.