વડોદરા : ખાળકૂવામાં ૭ મજૂરોનાં મોતની ઘટના અંગે અમિતાભ બચ્ચને દુઃખ વ્યક્ત કર્યું

વડોદરા,
ડભોઇ તાલુકાના ફરતીકૂઇ ગામ પાસે આવેલી દર્શન હોટલના ખાળકૂવાની સફાઇ કરતી સમયે ૭ વ્યક્તિઓના મોત નીપજ્યાં હતા. આ ઘટના અંગે બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ દુઃખ વ્યક્ત કર્યું છે.

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટિ્‌વટમાં જણાવ્યું છે કે, હવે બહું થયું, માણસની જિંદગીની ગુણવત્તા ઘટાડવાનું બંધ કરો. અગાઉ મેં ટિ્‌વટ કર્યું હતું કે, ઓટોમેટેડ સ્કેવેજિંગ મશીન જે બંદીકોટના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું છે. અન્ય લોકો પણ આવા મશીન બનાવી રહ્યા છે, ત્યારે આવા મશીનોનો તકેદારીના ભાગરૂપે ઉપયોગ કેમ કરાતો નથી? જો મોટી માત્રામાં બનાવવામાં આવે તો ફડિંગ (આર્થિક સહાય)ની જરૂર હોય તો મારી ગણતરી કરજો.

આનંદ મહિન્દ્રાના ટિ્‌વટ સામે સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ટિ્‌વટ કરતા જણાવ્યું કે, આનંદ…મેં બી.એમ.સી. (બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન)ને ૨૫ મશીન અને એક ટ્રક ભેટમાં આપેલા છે. ઔરંગાબાદની એક કંપનીએ બનાવ્યા છે. જેની મે આજ દિવસ સુધી જાહેરાત કરી નથી. કારણ કે, ભેટનું કોઇ કારણ નથી. આવી ઘટનાઓ(ડભોઇના ખાળકૂવા જેવી) વારંવાર થવાથી દુઃખ થાય છે.