વડોદરા : કોરોનામાં મૃત્યુ પામેલા ૪ પોલીસ કર્મચારીના પ્રત્યેક પરિવારોને ૨૫ લાખની સહાય…

8

વડોદરા : કોરોના વાયરસમાં મૃત્યુ પામેલા ૪ પોલીસ કર્મચારીના પ્રત્યેક પરિવારોને પોલીસ કમિશનર ડો.શમશેરસિંગે ૨૫ લાખની સહાયની ચુકવણી કરી હતી. મૃતક પોલીસ કર્મીઓના પરિવારને કોઇ પણ પ્રકારની મદદની જરૂર હોય કે બાળકના અભ્યાસ કે નોકરીની જરૂર હોય તો સંપર્ક કરવા પણ પોલીસ કમિશનર દ્વારા જણાવાયું હતું.
કોરોનાથી ટ્રાફિક શાખાના અરવિંદભાઇ ખોડાભાઇરાજ, મકરપુરા પોલીસના નગીનભાઇ મોતીભાઇ વાળંદ, એમટી શાખાના ગોવિંદભાઇ ઇશ્વરભાઇ રણા અને પાણીગેટ પોલીસ સ્ટેશનના ચીમનભાઇ રામાભાઇ રોહિતનું અવસાન થયું હતું. પ્રત્યેક પોલીસ કર્મીના પરિવારની ૨૫ લાખની સહાય મંજૂર થતાં પો.કમિશનર ડો.શમશેરસિંગે સહાયની ૨૫ લાખની ચુકવણી કરી હતી. ૪ પોલીસ કર્મીના પરિવારને ૧ કરોડની સહાય ચૂકવાઇ હતી.
પોલીસ કમિશનર ડો.શમશેરસિંગે કહ્યું, સરકારની ફ્ર્‌ન્ટ લાઇન વોરીયર્સના મૃત્યુના કિસ્સામાં ૨૫ લાખની સહાય કરવાની યોજના છે, જેથી શહેર પોલીસના ૪ પોલીસ કર્મીના પરિવારને લાભ મળે તેવા પ્રયાસ કરાયા હતા અને મંગળવારે તમામને ૨૫ લાખની સહાય કરાઇ છે. તેમને કોઇ મદદની જરૂર હોય તો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ પરિવારને વધુ બેનિફિટ મળે તેવા પ્રયાસ કરાશે.
કોરોનાની નવી ઊભી થયેલી સ્થિતિમાં ફરજ બજાવી રહેલા ૪૦ પોલીસ કર્મી સંક્રમિત થયા છે. આ પોલીસ કર્મીની હોમ આઇસોલેશનમાં, ૨ કર્મીને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. કોરોનાની કામગીરી કરતા પોલીસ કર્મીઓને મદદની ખાતરી અપાઇ છે.