વડોદરામાં ફરી મેઘરાજાની એન્ટ્રી, વેરાવળ અને દીવના વાતાવરણમાં પલટો…

વડોદરા : વડોદરા શહેરમાં એક અઠવાડિયાના વિરામ બાદ બુધવારે ફરીથી મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી હતી. બપોરના સમયે અચાનક જ વરસાદ શરૂ થયો હતો. જોકે અડધો કલાક સુધી વરસાદ વરસ્યા બાદ રોકાઇ ગયો હતો. જોકે કેટલાક દિવસથી વરસાદ રોકાતા વડોદરા શહેરમાં ઉકળાટનો અનુભવ થઇ રહ્યો હતો. પરંતુ વરસાદને પગલે લોકોએ થોડી રાહત અનુભવી હતી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા પાંચ દિવસથી વરાપ નીકળતા ખેડૂતો ખેતીના કાર્યમાં વ્યસ્ત બન્યા છે. પરંતુ વેરાવળ અને દીવ પંથકમાં બુધવારે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ધામી ધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહ્યા હતા. દીવના ઘોઘાલા, વણાંકબારા, ફુદમ, કિલ્લો સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. તેમજ વેરાવળના ભેટાળી, કોડીદ્રા, માથાશુરી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તેમજ ખેડૂતોમાં પણ ખુશી લાગણી જોવા મળી હતી.