વડોદરામાં ડોર ટુ ડોર સર્વેક્ષણના ૧૪માં રાઉન્ડમાં કોરોનાના લક્ષણોમાં થયો ઘટાડો…

ઓએસડી ડો. વિનોદ રાવે વધુ ૨ સપ્તાહ સંપૂર્ણ સાવચેતી રાખવાની આપી સલાહ…

વડોદરા : વડોદરા સહિત રાજ્યભરમાં દિવાળી પછી કોરોનાના કેસોમાં ખુબ વધારો જોવા મળ્યો છે. જોકે વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે રાહતના સમાચાર આપ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, ગત સપ્તાહે થયેલા ડોર ટુ ડોર સર્વેક્ષણના ૧૩માં રાઉન્ડની સરખામણીમાં વર્તમાને સપ્તાહે થયેલા ૧૪માં રાઉન્ડમાં કોવિડ જેવા લણોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.
જોકે તેમ છતાં, આગામી બે સપ્તાહ સુધી સંપૂર્ણ સાવચેતી લેવી અને તકેદારી રાખવી અનિવાર્ય છે. હવે આગામી ૭થી ૧૧ ડિસેમ્બર દરમિયાન ડોર ટુ ડોર આરોગ્ય સર્વેના ૧૫માં રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પૂર્વાનુમાન આધારિત તકેદારીના વિવિધ પગલાઓના લીધે છેલ્લા ૫ દિવસ દરમિયાન હોસ્પિટલમાં દાખલ થતાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સ્થિરતા આવી છે, તેમ છતાં, આગામી ૨ સપ્તાહ સુધી સંપૂર્ણ સાવચેતી રાખવી જરૂરી છે.
તેવી જ રીતે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ થતાં દર્દીઓની સંખ્યામાં સ્થિરતા જોવા મળી છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા ૨૦થી ૨૬ નવેમ્બર દરમિયાન સર્વોચ્ય રહી હતી. જોકે સંખ્યામાં સ્થિરતા છતાં ઘટાડો તીવ્ર અને સ્થાઈ જણાયો નથી.