વડાપ્રધાન મોદી બિહારની ૧૨ ચૂંટણીલક્ષી રૅલીને સંબોધશે…

ન્યુ દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિહારમાં ૨૮મી ઑકટોબરે શરૂ થનારી અને કુલ ત્રણ તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભમાં કુલ ૧૨ રૅલીને સંબોધન કરશે. ભાજપના વરિષ્ઠ નેતા તથા બિહારમાંની ચૂંટણી માટેના ભાજપના ઇન્ચાર્જ દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે ‘વડા પ્રધાન પ્રારંભિક રૅલીઓ ૨૩મી ઑક્ટોબરે રાજ્યના સસારામ, ગયા અને ભાગલપુરમાં સંબોધશે. મોદીની રૅલીઓમાં મુખ્ય પ્રધાન નીતીશ કુમાર તેમ જ એનડીએ સાથે જોડાયેલા પક્ષોના અન્ય નેતાઓ હાજરી આપશે. ૨૮મી ઑક્ટોબરે મોદી દરભંગા, મુઝફ્ફરપુર તથા પટનામાં રૅલીને સંબોધન કરશે અને ત્યાર પછી પહેલી નવેમ્બરે છપ્રા, પૂર્વ ચંપારણ તથા સમસ્તીપુરમાં અને ત્રીજી નવેમ્બરે પશ્રિ્‌ચમ ચંપારણ, સહર્ષા તથા ફોર્બસગંજમાં જાહેર સભાને સંબોધશે.’
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફડણવીસે વધુમાં કહ્યું હતું કે ‘જે સ્થળે જાહેર સભા યોજાવાની છે ત્યાં આસપાસના મેદાનોમાં તેમ જ વિધાનસભાના મતદાર ક્ષેત્રોમાં મોટા સ્ક્રીન ગોઠવવામાં આવશે. તમામ રૅલીઓ ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું ચુસ્તપણે પાલન કરાશે.
રૅલી ખાતે ઉપસ્થિત તમામ લોકોએ ફરજિયાતપણે માસ્ક પહેરવું પડશે. એ ઉપરાંત, રૅલીના દરેક સ્થળે સૅનિટાઇઝર રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.