વડાપ્રધાન મોદી પરની બાયોપિક’ PM નરેન્દ્ર મોદી’ હવે આ તારીખે થશે રીલિઝ

PM નરેન્દ્ર મોદીની બાયોપિકની રીલિઝ ડેટ આખરે નક્કી થઇ ગઇ છે. આ ફિલ્મ હવે 24 મે એટલે કે લોકસભા ચૂંટણીના પરિણામ આવે ત્યારપછીના બીજા દિવસે રીલિઝ થશે. ઉલ્લેખનીય છે કે 17મી લોકસભા ચૂંટણીનું પરિણામ 23મે ના રોજ જાહેર કરવામાં આવશે.

‘ PM નરેન્દ્ર મોદી’ ફિલ્મના પ્રોડ્યુસર સંદીપ સિંહે કહ્યું કે, એક જવાબદાર નાગરિક તરીકે અમે દેશના કાયદાઓનું સન્માન કરીએ છીએ. ઘણી ચર્ચાઓ અને ફિલ્મને લઇને લોકોની ઉત્સુકતા જોઇને અમે નિર્ણય કર્યો છે કે ફિલ્મ હવે લોકસભા ચૂંટણી બાદ રિલીઝ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, આ ફિલ્મ હવે 24 મેના રોજ રીલિઝ કરવામાં આવશે. મતદાન પૂર્ણ થયા બાદ તરત પ્રમોશન કરીશું જેના માટે ચાર દિવસનો સમય મળશે. અપેક્ષા છે કે ફિલ્મ રીલિઝ થઇ શકશે.

ઉલ્લેખનીય છે કે ‘PM નરેન્દ્ર મોદી’ બાયોપિક રીલિઝના એક દિવસ પહેલા જ રોક લગાવી દેવાઇ હતી. સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચના ચક્કરમાં ફંસાયેલી આ ફિલ્મની રીલિઝ ડેટ હવામાં લટકી ગઇ હતી. ઓમંગ કુમારના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં વિવેક ઓબરોય લીડ રોલમાં છે. તેમના ઉપરાંત બોમન ઇરાની, મનોજ જોષી, પ્રશાંત નારાયણ, જરીના વહાબ અને બરખા સેનગુપ્તા મહત્વની ભૂમિકામાં છે.