વડતાલધામમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્વાસ્થ્ય માટે યજ્ઞ સંપન્ન…

16

વડતાલ : ગુજરાતના ખેડા જીલ્લામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ વડતાલધામમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એવં ખેડા જિલ્લા સમાહર્તા આઈ કે પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી એવં જનતાના સ્વાસ્થ્ય લાભાર્થે સર્વમંગલ યજ્ઞ યોજાયો. આ સંપ્રદાયમાં આ યજ્ઞ ચમત્કારીક ફળ આપનાર માનવામાં આવે છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એક ધર્મમય જીવન જીવતા રાજપુરુષ છે. આ સમયમાં તેમના નેતૃત્વની ગુજરાતને જરૂર છે. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી ચેતનભાઈ રામાણીના માર્ગદર્શન પ્રમાણે ધૂન ભજન યજ્ઞ થઈ રહ્યા છે.

વડતાલ મંદિરમાં મહાપૂજા; અખંડ સ્વામિનારાયણ મહામંત્ર ધૂન તથા સર્વમંગલ યજ્ઞ કરીને મુખ્યમંત્રીશ્રી તત્કાળ સ્વસ્થ થઈને રાજ્યની સેવામાં જોડાય, એવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેનશ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, ડો સંત સ્વામી; શ્રીવલ્લભ સ્વામી વગેરે વરિષ્ઠ સંતોએ ઊપસ્થિત રહીને પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીશ્રી સ્વાસ્થ્યલાભની પ્રાર્થનામાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ, ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ,માજી પ્રમુખ મહેશભાઇ પટેલ, તથા ભાજપ અગ્રણીઓ પણ જોડાયા હતા. અને વડતાલમાં બિરાજતા શ્રીહરિકૃષ્ણ મહારાજ સમક્ષ પ્રાર્થના કરી હતી.અને સંતોએ આશીર્વાદ સાથે જાગૃતિ રાખીને કોરોના સાથે લડવાની જનતાને ભલામણ કરી હતી ; એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે.