લોકસભા ચૂંટણી 2019: પાંચમાં તબક્કાના મતદાનના પાંચ અનોખા કિસ્સા

લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં 51 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. કુલ સાત તબક્કામાંથી હવે માત્ર બે તબક્કા પર મતદાન બાકી છે. મતદાન જાગૃતતાની અસર એવી છે કે, મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચી રહ્યાં છે. જેમાં અલગ-અલગ કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. કોઇ પોતાની વૃદ્ધ માતાને મત આપવા માટે ઉંચકીને આવી રહ્યું છે તો કોઇક છેક અમેરિકાથી મત આપવા માટે રાજસ્થાન પહોંચ્યું છે.

મધ્યપ્રદેશની સાત બેઠકો પર આજે મતદાન થઇ રહ્યું છે. અહીં છત્રપુરમાં એક યુવક પોતાના પિતાના અંતિમ સંસ્કાર કર્યાં પછી પુત્રધર્મ બાદ મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યો હતો. યુવક પિતાના અંતિમ સંસ્કારની વિધિઓને સંપન્ન કરીને મત આપવા પહોંચ્યો હતો.

ઉત્તર પ્રદેશના બાંદામાં એક દુલ્હન પોતાના લગ્નની વિધિઓ વચ્ચે અટકાવીને પહેલા પોતાના પિયરમાં અંતિમ મતદાન કરવા પહોંચી હતી. રિંકી તિવારીના આજે જ લગ્ન થવાના છે. સામાન્ય રીતે એવો રિવાજ છે કે લગ્નના સમયમાં બહાર જવા દેવામાં નથી આવતું, પરંતુ રિંકીએ મતદાન કરવાની પોતાની ફરજ બજાવી હતી અને પીઠી ચોડેલા શરીરે મતદાન કરવા પહોંચી હતી.

ઝારખંડના હજારીબાગમાં એક વ્યક્તિ પોતાની 105 વર્ષની વૃદ્ધ માતાને ઉંચકીને મત અપાવવા માટે પહોંચ્યો હતો. ઝારખંડની આ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી જયંત સિન્હા BJPના ઉમેદવાર છે. આ પહેલા આ બેઠક પર તેમના પિતા યશવંત સિન્હા પ્રતિનિધિત્વ કરતા હતા.

લોકશાહીને મજબુત બનાવવાં માટે રાજસ્થાનનો એક યુવક અમેરિકાથી રજા લઇને વોટ આપવા માટે નાગોર આવ્યો હતો. પારિતોષ કાત્યાલ નામનો આ યુવક અમેરિકામાં જોબ કરે છે અને તે માત્ર મત આપવા માટે પોતાની કંપનીમાંથી વિશેષ રજા લઇને માતા મિર્ધા કાત્યાલ સાથે મત આપવા પહોંચ્યો હતો