લોકસભા ચૂંટણીના પરિણામની શંકરસિંહ વાઘેલાએ કરી આગાહી

 

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પછી હવે લોકો 23 મેના રોજ આવનારા ચૂંટણીના પરિણામની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ચૂંટણીના પ્રચાર સમયે કોંગ્રેસના ઘણા નેતાઓને ગુજરાતમાં 26માંથી 14 બેઠકો મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો કેટલાક કોંગ્રેસના નેતાઓને 26માંથી 16 બેઠક કોંગ્રેસને મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારે બીજી તરફ NCPના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા પણ ઘણીવાર ભાજપ સરકાર પર અક્રામક પ્રહારો કરતા નજરે ચડ્યા હતા. જોકે, ઘણીવાર શંકરસિંહ વાઘેલાએ સરકારની નીતિ નિષ્ફળ નીવડી હોવાના પણ આક્ષેપો કર્યા હતા અને તેમણે ગુજરાતમાં કોંગ્રેસને 26માંથી 10 સીટ મળવાનું પણ કહ્યું હતું.

ત્યારે શંકરસિહ વાઘેલાએ દાવો કર્યો છે કે, જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાત અને કેટલાક અન્ય રાજ્યોમાં પણ સરકારો બદલાઈ જશે. બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર અને ગુજરાતના અનેક ધારાસભ્ય તેમના સંપર્કમાં છે અને તેઓ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનવાની રાહ જોઈ રહ્યા છે.

શંકરસિંહ વાઘેલાએ વધુમાં કહ્યું હતું કે, ભાજપ કેન્દ્ર અને ગુજરાત એમ બંને જગ્યા પરથી સત્તામાંથી હાથ ધોઈ બેસશે. 23મેના રોજ ગુજરાતના અનેક ધારાસભ્યો સરકારને પાડી દેવા માટે રાજીનામા આપી દેશે. ગુજરાતના અનેક ધારાસભ્યો લાંબા સમયથી દુઃખી છે. તેઓ બંધુઆ મજુર જેવો અનુભવ કરી રહ્યા છે. ભ્રષ્ટાચારની ફરિયાદો પર પણ કોઈ ધ્યાન આપતું નથી.

શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ 10 જેટલી સીટો પર વિજય મેળવશે. ભાજપ કોંગ્રેસ મુક્ત કરવાની વાતો કરતા કરતા કોંગ્રેસ યુક્ત ભાજપ બની ગયું છે. પશ્ચિમ બંગાળમાં શું થશે એ તો ખબર નથી. પણ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પછી ભાજપ સરકાર ગગડી જશે. તેનો મને 100% વિશ્વાસ છે.