બેંગ્લુરુ,
અનિયોજીત રીતે ચંદ્રની સપાટી પર પહોંચેલા વિક્રમ લેન્ડરનો ઇસરો સાથે હજુ સુધી સંપર્ક થઇ શકયો નથી. ઇસરો એ આજે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે ચંદ્રયાન-૨ના ઑર્બિટરે વિક્રમ લેન્ડરને શોધી તો નાંખ્યું, પરંતુ તેની સાથે સંપર્ક થઇ શકયો નથી. ઇસરોએ લખ્યું ‘લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે.’
સોમવારના રોજ સમાચાર આવ્યા હતા કે વિક્રમ ચંદ્રની સપાટી પર ત્રાસુ પડ્યું છે અને તેમાં કોઇ તોડફોડ થઇ નથી. ઇસરોએ કહ્યું હતું કે ઑર્બિટરે જે તસવીર મોકલી છે, તેમાં વિક્રમનો કોઇ ટુકડો દેખાતો નથી. તેનો મતલબ છે કે વિક્રમ બિલકુલ સહીસલામત છે. ત્યારે વૈજ્ઞાનિકોએ વિક્રમ સાથે સંપર્ક સાંધવાની સંભાવના વ્યકત કરી છે.
ઉલ્લેખનીય છેકે ૨૨મી જુલાઇના રોજ લોન્ચ થયેલ ચંદ્રયાન-૨ સતત ૪૭ દિવસ સુધી તમામ અડચણોને પાર કરતાં ચંદ્રની ખૂબ જ નજીક પહોંચી ગયો હતો. ૬-૪ સપ્ટેમ્બરના રોજ અડધી રાત્રે તેના લેન્ડર વિક્રમને પોતાની અંદર મૂકેલા પ્રજ્ઞાનની સાથે ચંદ્રની સપાટી પર ઉતરવાનું હતું પરંતુ ૨.૧ કિલોમીટર પહેલાં જ તે તેનું રસ્તો ભટકી ગયો અને તેનો ઇસરો સાથે સંપર્ક તૂટી ગયો. જો કે ઇસરો સહિત તમામ વૈજ્ઞાનિક જગતનું કહેવું છે કે ચંદ્રયાન-૨એ પોતાના ૯૫% સુધી લક્ષ્યને પ્રાપ્ત કરી લીધો છે. આ મશિનની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે ઑર્બિટર આવતા ૭ વર્ષ સુધી ચંદ્રનું ચક્કર લગાવતું રહેશે અને મહત્વપૂર્ણ માહિતી આપતું રહેશે.