લેટેસ્ટ શ્રાપ : ‘તારી ગાડીનો મેમો ફાટે’ ટ્રાફિકના જંગી દંડ સામે રોષ સાથે રમૂજ…!

રસ્તાના ખાડા, પાર્કિંગની અસુવિધા, શટલિયા રિક્ષાઓનો ત્રાસ અને દબાણો માટે કોઇ જવાબદાર નહીં? વાહન ચાલકને રસ્તા પર નીકળતા હવે બીક લાગે છે…

રાજયના મહાનગરોમાં હવે વાહન ચાલકોને વાહન  લઇને નીકળતા પોતે કોઇ આરોપી હોય તેમ બીક લાગે તેવી સ્થિતિ સર્જાઇ છે. જંગી ટેકસ ભરવા છતાં રસ્તામાં ઠેર ઠેર મોટા ખાડામાં પડવાનો ડર, પાર્કીંગની સુવિધા નહીં હોવાથી ગમે ત્યાંથી વાહન ટોઇંગ થઇ જાય તેવી બીક, કયા કારણસર- ઇ-મેમો આવી જાય તેનો ભય ઓછો હતો ત્યાં એચએસઆરપી નંબર પ્લેટ ન હોય તો તે બદલ પણ દંડ વસુલ કરી દેવાનું શરૂ કરી દેતાં લોકોનો રોષ ધૂંધવાઇ રહ્યો છે. શહેરોમાં ગુનાખોરી ભલે વકરતી હોય પરંતુ વાહન ચાલકને પકડવાનું મહત્વનું હોય તેટલી મોટી ફોજ રસ્તા પર ખડકી દેવામાં આવતા ખાખી વર્દી સામે બોલી ન શકાય તેમ હોવાથી લોકો સોશિયલ મીડિયામાં પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

  • સોશિયલ મીડિયા પરના સંદેશા લોકો ઉપર શું વીતી રહી છે તે દર્શાવે છે…

  1. રોડ રસ્તા નોકિયા ૧૧૦૦ જેવા અને દંડ આઇફોન જેવો…
  2. લેટસ્ટ શ્રાપ ‘તારી ગાડીનો મેમો ફાટે…’
  3. ઇ-મેમોથી લઇને બીજા ટ્રાફિકના ભંગના પૈસા બદલા બેન્કો લોન આપશે?
  4. ત્રણ સવારી પકડાતા કુટુંબની ટ્રાફિક પોલીસને અરજ… જવા દો સાહેબ, સરકારે પણ તો એક બેન્કમાં ત્રણ બેન્ક ઘુસાડી દીધી છે.
  5. દીકરીનો મમ્મીને ફોન મારા ઘરેણાં કયાં છે ? જવાબ-કેમ ફરી વળી ટ્રાફિકવાળાએ પકડી લીધી કે શું….?
  6. કાયદાના તજજ્ઞો મજાકમાં કહે છે કે મોટર વ્હીકલ એકટમાં સુધારો પોલીસ ખાતાનું આઠમું પગાર પંચ છે.
  7. ઇ-મેમો આપતા કેમેરા જેટલું ધ્યાન રાખે છે તેટલું ઘરવાળી પણ નથી રાખતી…