રોહિત શર્માનો મુદ્દો ગરમાયો, BCCIએ વિરાટ કોહલી, રવિ શાસ્ત્રી સાથે કરી વાત…

ન્યુ દિલ્હી : સિડનીમાં ૨૯ નવેમ્બર રમાયેલી બીજી વનડે મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે રોહિત શર્માની ફિટનેસ અંગે તેની સાથે કોઈ સંવાદ થયો નથી, ન તો તેને લઈને કોઈ સ્પષ્ટતા થઈ છે. રોહિત શર્માએ આઈપીએલ ૨૦૨૦માં ભાગ લીધો હતો અને મુંબઈ ઈન્ડિયન્સને ૫મો ખિતાબ અપાવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં રોહિત કેટલીક મેચોથી દૂર રહ્યો હતો કારણ કે તેણે હેમ્સટ્રિંગની ઈજાનો સામનો કરવો પડ્યો હતો. આ જ કારણ છે કે ’હિટમેન’ને ઓસ્ટ્રેલિયા પ્રવાસની ભારતીય વનડે અને ટી-૨૦ ટીમમાં પણ સામેલ કરાયો નહતો. બીસીસીઆઈને આઈપીએલ ફ્રેન્ચાઈઝી અને ખેલાડીઓ સાથે સંવાદ કરવામાં ઢીલાશ વર્તવા પર ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
એક મીડિયા રિપોર્ટ મુજબ બીસીસીઆઈએ આ મુદ્દાનો ઉકેલ લાવવાની કોશિશ કરી છે અને રોહિત શર્માની ફિટનેસને લઈને જે ગેરસમજ થઈ છે તે અંગે બોર્ડે વીડિયો કોન્ફરન્સ કોલ કર્યો છે. આ મીટિંગમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, કોચ રવિ શાસ્ત્રી અને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીનાએ સભ્યો હાજર રહ્યા જે રોહિત શર્માની ફિટનેસની દેખરેખ રાખે છે. આ ઉપરાંત મીટિંગમાં ચીફ સિલેક્ટર સુનીલ જોશી પણ હાજર રહ્યા હતા. રોહિત શર્માની ફિટનેસ અંગે ૧૧ ડિસેમ્બરે અંતિમ મૂલ્યાંકન કરવામાં આવશે અને તે દિવસે નિર્ણય પણ લેવાઈ જશે કે તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે કે નહીં.
જો રોહિત શર્મા ફિટનેસ ટેસ્ટ પાસ કરી પણ લે તો તેના માટે અનેક પરેશાનીઓ યથાવત રહેશે. જેમ કે ૩૧ ડિસેમ્બર સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોઈ ઈન્ટરનેશનલ ફ્લાઈટ સેવા નથી. જો રોહિત શર્મા યેનકેન પ્રકારે ઓસ્ટ્રેલિયા પહોંચી પણ જાય તો તેને નિયમ મુજબ ૧૪ દિવસ માટે ક્વોરન્ટાઈન થવું પડશે. શક્ય છે કે સૌરવ ગાંગુલી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે વાતચીત કર્યા બાદ ક્વોરન્ટાઈન પિરિયડ ઓછો કરાવવાની કોશિશ કરશે. આમ છતાં રોહિતનું એડિલેડ અને મેલબર્ન ટેસ્ટમાં કમવું ઘણું મુશ્કેલ છે.