રિલાયન્સ-ક્વાલકૉમે 5gનું સફળ ટેસ્ટિંગ : ટૂંક સમયમાં લૉન્ચિંગ…

આવનારા સમયમાં દેશમાં યૂઝર્સ 1 Gbps સુધીની સ્પીડનો આનંદ લઇ શકશે…

મુંબઇ : રિલાયન્સ જિયોએ વધુ એક મોટી સફળતા મેળવી છે. રિલાયન્સે અમેરિકાની ટેક્નોલોજી ફર્મ ક્વાલકૉમની સાથે મળી ભારતમાં ૫ય્ નેટવર્કનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરી લીધું છે. બંને કંપનીઓએ ૨૦ ઓક્ટોબરે અમેરિકાના સૈન ડિયાગોમાં થયેલી એક વર્ચ્યૂઅલ ઇવેન્ટમાં આ વિશે જાહેરાત કરી છે. નોંધનીય છે કે ભારતમાં ટૂંક સમયમાં ગ્રાહકોને 5G નેટવર્કની સુવિધા મળવાની છે. અહેવાલ મુજબ, જિયો અને ક્વાલકૉમે જાહેરાત કરી છે કે તેઓએ 5GNR સોલ્યૂશન્સ અને ક્વાલકૉમ RAN પ્લેટફોર્મ પર 1 Gbpsથી વધુ સ્પીડ મેળવી લીધી છે. હાલ અમેરિકા, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, સ્વિત્ઝરલેન્ડ અને જર્મની જેવા દેશોના 5G ગ્રાહકોને 1Ggps ઇન્ટરનેટ સ્પીડની સુવિધા મળી રહી છે.
રિલાયન્સ જિયોના પ્રેસિડન્ટ મેથ્યૂ ઓમાને ક્વાલકૉમ ઇવેન્ટમાં કહ્યું કે ક્વાલકૉમ અને રિલાયન્સની સબ્સિડિયરી કંપની રેડિસિસની સાથે મળી અમે 5G ટેકનીક પર કામ કરી રહ્યા છીએ, જેથી ભારતમાં તેને વહેલી તકે લૉન્ચ કરી શકાય. આવનારા દિવસોમાં ભારતમાં યૂઝર્સ ૧ Gbps સુધીની સ્પીડની મજા લઈ શકશે.
દેશમાં 5G ટેક્નોલોજી આવ્યા બાદ ગ્રાહકોને ઝડપી હાઇ સ્પીડ ડેટાનો સારો અનુભવ મળશે. ક્વાલકૉમ ટેક્નોલોજીસ દુનિયાની અગ્રણી વાયરલેસ ટેક્નોલોજી ઇનોવેટર છે, જે હાલમાં રિલાયન્સ જિયોની સાથે મળી 5G ટેકનીક પર કામ કરી રહી છે.
આ વર્ષે જુલાઈમાં ક્વાલકૉમ વેન્ચરના ઇન્વેસ્ટમેન્ટ એકમ ક્વાલકૉમ ઇન્કે જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ક્વાલકૉમે Jio Platformsમાં ૦.૧૫ ટકાની હિસ્સેદારી માટે ૭૩૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ક્વાલકૉમની સાથે મળી જિયો 5G વિઝન પર કામ કરશે અને ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં સહયોગ આપશે. જિયોએ કહ્યું કે તેઓ ક્વાલકૉમની સાથે મળી દેશી 5G સોલ્યૂશન્સ અને નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરી રહ્યા છે. કંપની સ્થાનિક 5G ટેક્નોલોજી સોલ્યૂશન્સ પર કામ કરી રહી છે જેનો ઉપયોગ રિટેલ અને ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં થશે.