રિટેલમાં ૨૦ અબજ ડોલરના રોકાણ માટે રિલાયન્સ-એમેઝોન વચ્ચે વાટાઘાટો શરૂ…

ન્યુ દિલ્હી : ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી દ્વારા રિલાયન્સ રિટેલમાં વધુ એક ડીલ કરવા જઇ રહ્યા છે. પ્રાપ્તિ માહિતી મુજબ મુકેશ અંબાણી રિલાયન્સ રિટેલનો લગભગ ૪૦ ટકા જેટલો હિસ્સો દિગ્ગજ ઇ-કોમર્સ કંપની એમેઝોનને ૨૦ અબજ ડોલરમાં વેચવા માટે વાટાઘાટો કરી રહ્યા છે.
બ્લૂમબર્ગે આજે ગુરુવારે તેના એક અહેવાલમાં કહ્યું છે કે, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં રોકાણ કરવા અંગે ચર્ચા કરી છે અને સંભવિત ટ્રાન્ઝેક્શનની વાટાઘાટો કરવામાં રસ દર્શાવ્યો હોવાનું ઘટનાક્રમથી માહિતીગાર સુત્રોએ જણાવ્યુ છે. રિલાયન્સ રિટેલમાં વધુ એક ડીલના અહેવાલના પગલે આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર ૮ ટકા જેટલો ઉછળીને રૂ.૨૩૪૩.૯૦ની વિક્રમી ઉંચી સપાટીને સ્પર્શી ગયો હતો.
ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલા જ વિદેશી કંપની સિલ્વર લેક દ્વારા રિલાયન્સ રિટેલનો ૧.૭૫ ટકા હિસ્સો ખરીદવા માટે ૭૫૦૦ કરોડ રૂપિયાની ડીલ કરવામાં આવી છે. ત્યારબાદ કેકેઆર પણ ૧ અબજ ડોલરનું મૂડીરોકાણ કરવા ઉત્સુક હોવાના અહેવાલ આવ્યા હતા. હવે આજે રિલાયન્સ રિટેલનો હિસ્સો વેચવા વધુ એક ડીલ થવાના અહેવાલ મળ્યા છે.
એમેઝોને પોતાના સંભવિત રોકાણના કદ અંગે હજી કોઇ અંતિમ નિર્ણય લીધો છે એવું ઘટનાક્રમથી માહિતગાર સુત્રોએ જણાવ્યુ છે. રિલાયન્સના પ્રવક્તાએ જણાવ્યુ કે, અમે મીડિયામાં વહેતી થયેલી અટકળો અંગે અમે કોઇ જ ટિપ્પણી કરી શકીયે નહીં.
નોંધનિય છે કે, તાજેતરમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉદ્યોગપતિ અને બિગબજારના માલિક કિશોર બિયાનાના ફ્યૂચરગ્રૂપનો રિટેલ, હોલસેલ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગનો બિઝનેસ રૂ. ૨૭,૫૧૩ કરોડમાં ખરીદવાની ડીલ કરવામાં આવી છે. ટેલિકોમ બાદ હવે મુકેશ અંબાણી રિટેલ સેક્ટરનો મહત્તમ બજાર હિસ્સો કબજે કરવા આગળ વધી રહ્યા છે.