‘રાહુલ ગાંધી જિંદાબાદ’ સૂત્રોચ્ચાર સાથે અધ્યક્ષ પદેથી રાજીનામુ ન આપવા કોંગ્રેસની અપીલ

  • કોંગ્રેસ કાર્યાલય પાસે કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા…

વડોદરા,
રાહુલ ગાંધી જિંદાબાદ…ના સૂત્રોચ્ચાર સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામું ન આપવા રાહુલ ગાંધીને અપીલ કરવામાં આવી હતી. કોંગ્રેસ કાર્યાલય પાસે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને કોંગ્રેસ અધ્યક્ષના સમર્થનમાં દેખાવો-સૂત્રોચ્ચાર કર્યા હતા. રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે.
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. કોંગ્રેસની હાર માટે પોતાને જવાબદાર માનીને રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે, ત્યારે સમગ્ર દેશમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીને અધ્યક્ષ પદેથી આપેલું રાજીનામું પરત ખેંચવા માંગણી કરતા દેખાવો કરવામાં આવી રહ્યા છે. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય પાસે રાહુલ ગાંધી જિંદાબાદ, રાહુલ ગાંધીની કોંગ્રેસના યુવાન કાર્યકરોને જરૂર છે, તેવા બેનર્સ અને પોસ્ટર્સ સાથે દેખાવો કર્યાં હતા. આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ભીખાભાઇ રબારી, અમી રાવત, ઋત્વિજ જોષી, શ્વેતા મહેતા, જગદીશ બ્રહ્મભટ્ટ, પપ્પુભાઇ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા.