રાહુલ ગાંધીએ લોકસભા સભ્યપદના શપથ ગ્રહણ કર્યા…

  • લોકસભા સભ્ય તરીકે સતત ચોથા કાર્યકાળની શરુઆત
  • વાયનાડનું પ્રતિનિધત્વ કરતા હું સંસદમાં મારા નવા કાર્યકાળનો આરંભ કરીશ. હું ભારતના બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ

ન્યુ દિલ્હી,
લોકસભા ચૂંટણી પછી કોંગ્રેસના અધ્યક્ષ પદ છોડવાની કવાયતો વચ્ચે રાહુલ ગાંધીએ સોમવારે લોકસભાની સભ્યતાના શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ કેરળની વાયનાડ બેઠકથી વિજયી બન્યા હતા.

બપોર પછી સદનમાં રાહુલ ગાંધીનું તેમની પાર્ટી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સદનમાં રાજકીય સ્તરે શપથ વિધિ ચાલી રહી છે. જો કે રાહુલ ગાંધીએ શપથ ગ્રહણ કરતા પહેલા ટ્‌વીટ કરી હતી કે, લોકસભાના સભ્ય તરીકે આ મારો ચોથો કાર્યકાળ છે. વાયનાડનું પ્રતિનિધત્વ કરતા હું સંસદમાં મારા નવા કાર્યકાળનો આરંભ કરીશ. હું ભારતના બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ.

રાહુલ ગાંધી આ દરમિયાન તેમના પરિચિત પહેરવેશ સફેદ કુર્તો અને પાયઝામામાં જોવા મળ્યા હતા. સદનમાં પ્રવેશ્યા પછી તેઓ સોનિયા ગાંધી સાથે બેઠક મેળવી હતી.

નોંધનીય છે કે, રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી અમેઠી અને વાયનાડ બેઠકથી લડ્યા હતા. તેમની પરંપરાગત બેઠક અમેઠીથી તેઓ ભાજપા ઉમેદવાર સ્મૃતિ ઇરાની સામે હારી ગયા હતા. તેઓ વર્ષ ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪માં સતત લોકસભા માટે અમેઠી બેઠકથી ચૂંટાયા હતા, પરંતુ આ વખતે તેઓ વાયનાડથી ચૂંટણી જીત્યા હતા.