રાહત : કોરોના પોઝિટિવ દૈનિક કેસોમાં મોટો ઘટાડો : છેલ્લા ૨૪ કલાકમાં ૫૫,૭૨૨ પોઝિટિવ કેસ…

છેલ્લા ૨૪ કલાકમાં ૫૫,૭૨૨ પોઝિટિવ કેસ, ૫૭૯ના મોત

કુલ કેસનો આંકડો ૭૫,૫૦,૨૭૩ થયો, ૧.૧૪ લાખના મોત,૧૯ જુલાઈ બાદ સૌથી ઓછા મૃત્યુ, તહેવારોના દિવસોમાં સાવચેતી નહીં જાળવીએ તો કેસ વધી શકે છે : સરકારી પેનલ

ન્યુ દિલ્હી : ભારતમાં કોરોના સંક્રમણના ફેલવામાં સતત ઘટાડો આવી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૫,૭૨૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૭૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં કુલ સંક્રમિતોનો આંક ૭૫ લાખને પાર થઈ ચૂક્યો છે. તો અત્યાર સુધીમાં ૧.૧૪ લાખ લોકોએ કોવિડ-૧૯ સામે લડતાં જીવ ગુમાવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૭૫,૫૦,૨૭૩ પહોંચી છે.
આ ઉપરાંત, ભારતમાં કોવિડ-૧૯ મહામારી સામે લડીને ૬૬ લાખ ૬૩ હજાર ૬૦૮ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ ૭,૭૨,૦૫૫ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૪,૬૧૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૮ ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ ૯,૫૦,૮૩,૯૭૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, છેલ્લા ૨૪ કલાકમાં ૮,૫૯,૭૮૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ભારતમાં સૌથી વધુ કોરોના વાયરસનો પ્રકોપ મહારાષ્ટ્રમાં જોવા મળે છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૦૨૫૯ કેસ સામે આવ્યા છે તો બીજા નંબરે કેરલ છે જ્યાં ૯૦૧૬ કેસ સામે આવ્યા છે. જ્યારે ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૦૯૧ કેસ સામે આવતા હવે કોરોનાનો કુલ આંકડો ૧૫૯૭૨૬ થયો છે તો મૃત્યુઆંક પણ ૩૬૩૮ થયો છે. જ્યારે વધુ ૧૨૩૩ દર્દીઓ સ્વસ્થ થતાં રાજ્યનો રિકવરી રેટ પણ સુધરીને ૮૮.૬૮એ પહોંચ્યો છે.
૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ ૫૧,૧૪૧ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ ટેસ્ટનો આંકડો પણ ૫૩,૭૪,૨૪૯ થયો છે. રાજ્યમાં ૧૦૯૧ નવા દર્દીઓ સામે ૧૨૩૩ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ ૧,૪૧,૬૫૨ એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે ૮૦૨.૧૭ ટેસ્ટ થાય છે.