‘રામાયણ’ના રિ-ટેલિકાસ્ટે બનાવ્યો રેકોર્ડ, માત્ર ૪ એપિસોડમાં મળ્યા ૧૭૦ મિલિયન દર્શકો…

ટીઆરપીના તમામ રેકોર્ડ તોડ્યા…

મુંબઇ : દેશનાં ચાલી રહેલા લોકડાઉનના કારણે દૂરદર્શન પર રામાનંદ સાગરનો શો રામાયણને ફરીથી ટેલિકાસ્ટ કરવામાં આવ્યો છે. ૧૯૮૭માં આવેલો આ શો આજે પણ લોકોને પસંદ આવી રહ્યો છે. આ અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે શોની ટીઆરપીએ નવો રેકોર્ડ બનાવ્યો છે.

પ્રેસ ઈન્ફર્મેશન બ્યૂરોએ ટ્‌વીટ કરીને જાણકારી આપી છે કે બીએઆરસી રેટિંગમાં રામાયણના રિપીટ શોએ બાજી મારી છે. તેને ૪ એપિસોડમાં ૧૭૦ મિલિયન દર્શકો મળ્યા છે. પીઆઈબીએ ટ્‌વીટ કર્યું કે, ‘બીએઆરસી પ્રમાણે, અમે ૨૦૧૫થી ટીવી ઓડિયન્સને મેઝર કરવાનું શરૂ કર્યું. તે સમયથી કોઈ પણ હિંદી જીઈસી શોને આટલું રેટિંગ નથી મળ્યું જેટલું રામાયણના રિ-ટેલિકાસ્ટને મળ્યું છે.

પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે પણ તેની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે, રામાયણના કારણે દૂરદર્શને નવો રેકોર્ડ બનાવ્યો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, કોરોના સામેની લડાઈ દરમિયાન ઘરમાં બેસીને લોકો રામાયણ જોવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

રામાયણમાં અરુણ ગોવિલે રામ, દીપિકા ચિખલિયાએ સીતાનો રોલ પ્લે કર્યો હતો. તે સમયે લોકો રામાયણ શરૂ થતાં જ ટીવી સામે ગોઠવાઈ જતા હતા. શોનો એવો ક્રેઝ હતો કે લોકો અરુણ અને દીપિકાને સાચેમાં રામ અને સીતા માનીને તેમની પૂજા કરવા લાગ્યા હતા.