રાજ્યમાં વરસાદને પગલે એસ.ટી.એ ૨૦ રૂટ પર ૬૬ ટ્રીપ રદ કરી…

ગાંધીનગર,
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને અમુક જગ્યાએ ભારે વરસાદને પગલે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ તરફથી ૨૦ રૂટ પર બસોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. એસ.ટી.એ ૨૦ રૂટ પર ૬૬ ટ્રીપ રદ કરી નાખી છે.
આ અંગે એસટી તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી ૨૦ રૂટને રદ કરી દેવામાં આવ્યા છે. બંધ થયેલા રૂટોમાં વડોદરાના ૫, છોટાઉદેપુરના ૬, ભાવનગરના ૨ અને મહેસાણાના ૭ રૂટનો સમાવેશ થાય છે. આ રૂટો પરની ૬૬ ટ્રીપો રદ કરવામાં આવી છે.
એસટી તંત્ર તરફથી આપવમાં આવેલા માહિતી પ્રમાણે રૂટ અને ટ્રીપો રદ કરવાના કારણે નિગમે સવા લાખ જેટલું નુકસાન ભોગવવું પડશે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લા અને તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં નોંધાયો છે. શનિવારે સવારે છ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન બરવાળામાં ૧૫ ઇંચ વરસાદ નોંધાયો છે.