રાજ્યમાં કોરોનાનો ફરી ફફડાટ : આરોગ્ય વિભાગ અલર્ટ પર, રેપિડ ટેસ્ટના ડોમ ફરી શરૂ…

22

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ક્રિકેટ મેચ બાદ કોરોના વિસ્ફોટની ચર્ચા…

અમદાવાદ : દેશના અન્ય રાજ્યોમાં કોરોના ફરી બેકાબૂ બનવા લાગ્યો છે અને ખાસ કરીને કેટલાક દેશોમાં પણ વેરિએન્ટ કેસ વધી રહ્યા છે, સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોરોનાની ગાઇડલાઈન્સનું સરેઆમ ઉલ્લંઘન થયું હોવાનાં કારણોને ધ્યાનમાં રાખીને ગુજરાતના આરોગ્ય વિભાગને અલર્ટ પર મૂકી દીધું હોવાનું જાણવા મળ્યું છે. શહેરોમાં કોરોનાના રેપિડ ટેસ્ટ માટે તૈયાર કરવામાં આવેલાં ડોમ ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યાં છે. અમદાવાદ સહિતનાં શહેરોમાં ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ રેપિડ ટેસ્ટ માટેનાં ડોમ ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યાં છે. તાજેતરમાં જ અમદાવાદમાં કોરોનાના કેસો ઘટતાં શહેરમાં રેપિડ ટેસ્ટ માટે ઊભાં કરવામાં આવેલા ડોમમાંથી ૮૫ જેટલાં ડોમ બંધ કરી દેવામાં આવ્યાં હતાં. શહેરમાં રોજ ૫૦ જેટલા કેસો નોંધાવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું, પરંતુ રાજ્યમાં ૬ મહાનગરપાલિકાઓની ચૂંટણીના મતદાન બાદ કોરોનાના કેસોમાં વધારો થયો હોવાથી રેપિડ ટેસ્ટ માટેનાં ડોમ ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યાં છે.
દેશમાં કોરોના સંક્રમણમાં રાહત મળી રહી છે અને પ્રતિબંધાત્મક આદેશો ઘટાડવામાં આવી રહ્યા છે, તેથી હવે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં કોરોનાવાયરસનો જે નવો વેરિએન્ટ દેખાયો છે એના ભારતમાં કેસ નોંધાયા છે અને એ સાથે અગાઉ બ્રિટનના વેરિએન્ટના કેસ પણ ભારતમાં નોંધાયા હતા. પણ એને ઘટાડવામાં સફળતા મળી હતી, એ વચ્ચે આ નવા વેરિએન્ટની સામે ખાસ કરીને કેરળ અને મહારાષ્ટ્રમાં ચિંતા વધી છે અને ગુજરાત સરકારે પણ ફરી એક વખત આરોગ્ય વિભાગને અલર્ટ પર મૂકી દીધો છે. જોકે ગુજરાતમાં હજુ આ નવા વેરિએન્ટનો એકપણ કેસ નોંધાયો નથી, પણ રાજ્ય સરકાર કોઈ ઢીલાશ આપવા માગતી નથી. રાજયના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું હતું કે રાજ્યમાં દરેક એન્ટ્રી પોઈન્ટ પર પૂર્ણ અલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને વિદેશથી આવતા મુસાફરોનું ફરી પૂરું સ્ક્રીનિંગ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલ વિદેશી વિમાની સેવાઓ અત્યંત મર્યાદિત છે, પણ દેશના અન્ય ભાગોમાંથી આવતા વિદેશીઓ જેઓ બાદમાં ગુજરાતમાં આવે છે તેઓ પણ વેરિએન્ટ લઈને ન આવે એની ચિંતા કરવામાં આવી રહી છે.
અગાઉ બ્રિટનના વેરિએન્ટના રાજ્યમાં નવ કેસ નોંધાયા હતા અને તેમને એરપોર્ટથી જ અલગ કરીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અને તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ રજા અપાઈ નથી. આ સિવાય કોરોના મહામારી સામે નાગરિકોને વિનામૂલ્યે સારવાર મળી રહે એ માટે વિવિધ વિસ્તારમાં ૧૧૦ જેટલી ખાનગી હોસ્પિટલોમાં ૫૦ ટકા બેડ સંપાદિત કરવામાં આવ્યાં હતાં, જેમાં બેડ ખાલી હોય તોપણ મ્યુનિસિપાલિટી દ્વારા નિર્ધારિત કરેલી રકમ ચૂકવવામાં આવતી હતી. હાલમાં કોરોનાના કેસો ઘટી જતાં સંપાદિત કરવામાં આવેલી ખાનગી હોસ્પિટલો પૈકીની હોસ્પિટલોએ તેમને ડિનોટિફાઇ કરવા માટે અનુરોધ કરાયો હતો તેમજ બિનજરૂરી નાણાં ચૂકવવા ના પડે એ માટે ઉચ્ચ અધિકારીઓની મંજૂરી લઈને ૫૫ જેટલી હોસ્પિટલોને ડિનોટિફાઈ કરી દેવામાં આવી છે.