રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી… ૧૩ જળાશયો ઓવરફ્લો…

અમદાવાદમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ, સીસીટીવીથી મોનીટરીંગ…

રાજ્યમાં ૧૫૪ રસ્તાઓ બંધ, NDRFની ૧૮ ટીમો તૈનાત, ૧૬ ગામોમાં વીજળી ડુલ, છોટા ઉદેપુરમાં સાડા તેર ઈંચ વરસાદ….

રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થવાને કારણે ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, દાહોદ, છોટઉદેપુરમાં પવનની સાથે ભારે વરસાદની આગાહી છે. જોકે અમદાવાદમાં શુક્રવારે વહેલી સવારથી મેધરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી હતી.
હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે સાર્વિત્રિક વરસાદ પડી રહ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા બે દિવસથી છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં છોટાઉદેપુરમાં ૧૩.૫ ઇંચ વરસાદ, જ્યારે ક્વાંટમાં ૧૧.૫ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે.
રાતના ૧૦ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૦૨ તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે. સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરમાં સાડા ૧૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો. છોટા ઉદેપુર તાલુકામાં ૩૩૬ મી.મી. એટલે કે સાડા તેર ઈંચ વરસાદ, ક્વાંટ તાલુકામાં ૨૮૨ મી.મી. એટલે કે ૧૧ ઈંચથી વધુ અને કુકરમુંડા તાલુકામાં ૨૦૭ મી.મી. એટલે કે ૮ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેતપુર-પાવીમાં ૧૭૪ મી.મી., નિઝરમાં ૧૭૩ મી.મી., નસવાડીમાં ૧૫૬ મી.મી., ધાનપુરમાં ૧૨૦ મી.મી., ગોધરામાં ૧૧૨ મી.મી., દાહોદમાં ૧૧૧ મી.મી., સંજેલીમાં ૧૧૦ મી.મી., દેવગઢ બારિયામાં ૧૦૪ મી.મી., લીમખેડા અને ઉમરપાડામાં ૧૦૩ મી.મી. તથા જાબુઘોડામાં ૧૦૨ મી.મી. એટલે કે ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે રાજ્યભરમાં એન.ડી.આર.એફ.ની ૧૮ અને એસ.ડી.આર.એફ.ની ૧૧ ટીમો તૈનાત કરી દેવાઈ છે. રાજ્યભરના વિવિધ કોઝવેમાં પાણી ભરાતા ૧૫૪ રસ્તાઓ બંધ કરાયા છે.
દાહોદના ધાનપુરમાં પાંચ ઇંચ, ગોધરા ૪.૪ ઇંચ, દાહોદ ૪.૩ ઇંચ, સંજેલી ૪ ઇંચ, દેવગઢ બારિયા ૪ ઇંચ, લીમખેડા, ઉમરપાડા, જાંબુઘોડા, વિજયનગર, દેડિયાપાડા, ફતેહપુરામાં ૪ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો ડાંગના સુબીર, સિંગવડ, ડભોઈ, બોડેલી, ગાબારા, શહેરા, કડણા, ગરબાડા, ઇચ્છલ, માગણરોળમાં ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
પંચમહાલના હાલોલ, મોરવા હડ, નર્મદાના ગરુડેશ્વર, તાપીના સોનગઢ, છોટાઉદેપુરના સંખેડા, ઝાદો, નેત્રંગ, તિલકવાડા, વડોદરા, નાંદોદ, કપરાડા, માંડવી(સુરત), વાઘોડિયા, ઘોઘાંબા, કાલોલ, સાવલી, વડગામ, ખેડબ્રહ્મા, ગળતેશ્વર, ભરુચ, ઉમરેઠ, અંકલેશ્વર, અમીરગઢ, પોસિના, ધનસુરા, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા, દેસર, સંતરામપુર અને ખેડાના ઠાસરામાં બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
અમદાવાદમાં વરસાદી પાણી ભરાવાની ફરિયાદ લઈને સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ થઇ રહ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડીપ ડીપ્રેશનમાં ફેરવાતાં ૯ અને ૧૦ ઓગસ્ટના ૪૮ કલાક દરમિયાન અમદાવાદમાં ૧૦૦થી ૧૫૦ મીમી એટલે કે ૫થી ૮ ઇંચ વરસાદ ખાબકવાની શક્યતા છે. આ ઉપરાંત કલાકના ૨૫થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.