રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ : આશરે દોઢ મહિનાના ઉનાળું વેકેશન બાદ શાળાઓ શરૂ…

  • ગુજરાતભરમાં ૧૨ હજારથી વધારે માધ્યમિક અને રાજ્યભરમાં ૩૨ હજારથી વધારે પ્રાથમિક સ્કુલો આજથી ખુલી…

ગાંધીનગર,

રાજ્યભરમાં ૧૦ જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, આશરે દોઢ મહિનાના ઉનાળું વેકેશન બાદ શાળાઓ શરૂ થઇ રહી છે. નવા સત્રમાં પ્રથમ ૧૦૪ દિવસ તો બીજા સત્રમાં ૧૪૨ દિવસ શૈક્ષણીક કાર્ય થશે. ૨૫ ઓક્ટોબરથી દિવાળી વેકેશન રહેશે. ૧૦ જૂન પ્રથમ દિવસે શાળાઓ શરૂ થતાં ગુજરાત સરકાર દ્રારા શાળાઓમાં પ્રવેશોત્સવ પણ યોજવામાં આવશે.

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની આજથી શરૂઆત થઇ ગઈ છે. બે મહિનાના ઉનાળા વેકેશન બાદ તમામ સ્કુલો ફરી ધમધમતી થઇ. શૈક્ષણિક સત્રના પ્રથમ તબક્કાની શરૂઆત થયા બાદ પ્રથમ તબક્કો દિવાળી સુધી ચાલશે. આ વખતે નવરાત્રિ વેકેશન નહીં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી નવરાત્રિના ગાળા દરમિયાન સ્કુલો ચાલુ રહેશે. થોડાક દિવસ પહેલા જ નવરાત્રિ વેકેશનને નહીં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાના પરિણામ હાલમાં જ જાહેર કરવામાં આવી ચુક્યા છે જેથી ધોરણ ૧૧માં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે જેથી હવે શૈક્ષણિક સત્રની પૂર્ણરીતે શરૂઆત થઇ રહી છે. ગુજરાતભરની ૩૨ હજારથી વધુ સ્કુલોમાં આજથી શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ શિક્ષણનો માહોલ જામશે. કોલેજો પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે.

ગુજરાતભરમાં ૧૨ હજારથી વધારે માધ્યમિક અને રાજ્યભરમાં ૩૨ હજારથી વધારે પ્રાથમિક સ્કુલો આજથી ખુલી. ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ આજથી સ્કુલો ફરી એકવાર બાળકોથી ગુંજી ઉઠી. જે બાળકો પ્રથમ વખત સ્કુલમાં પહોંચનાર છે તેમની સાથે તેમના વાલીઓ પણ પહોંચનાર છે. નર્સરી અને નાના ધોરણના બાળકો સ્કુલ જવામાં હંમેશા મુશ્કેલી અનુભવે છે જેથી કેટલાક બાળકો પ્રથમ દિવસે રડતા પણ નજરે પડશે. બીજી બાજુ મોટા ક્લાસના બાળકો ખુશખુશાલ નજરે અને પોતાના મિત્રોને મળતા નજરે પડશે. આ વખતે ગરમીનું પ્રમાણ વધારે હોવાના કારણે ઘણી સ્કુલોમાં વેકેશનને ગાળાને સાત દિવસ સુધી લંબાવી દેવાની માંગ કરવામાં આવી હતી પરંતુ તેમની માંગણીને ફગાવી દેવામાં આવી છે.