રાજુલા અને જાફરાબાદ રેંજમાં વન વિભાગે સિંહો માટે કરી પાણીની ખાસ વ્યવસ્થા

હાલ ગુજરાતમાં દિવસે ને દિવસે તાપમાનમાં વધારો થતો જાય છે. ત્યારે લોકો પણ આ અસહ્ય ગરમીમાં ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે જંગલમાં વસવાટ કરતા વન્ય જીવો માટે વન વિભાગ દ્બારા પાણીની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, હવામાન વિભાગની આગાહી અનુસાર દરિયા કાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવાના કારણે તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજુલા રેંજમાં વન વિભાગે વન્ય જીવોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે ખાસ પ્રકારનું આયોજન કર્યું છે. અમરેલી DCF, ACF અને RFO પાઠકની સુચનાથી જંગલમાં 6 જેટલા વધારે પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. આ 6 પોઈન્ટના વધારાના કારણે વન વિભાગ દ્વારા 40 જેટલા પોઈન્ટનું સાથે-સાથે નાની-નાની ટાંકીઓ અને કુંડીઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, આ પાણીના પોઈન્ટ પર વહેલી સવારના પાંચ વગ્યા પછી સિંહો જોવા મળે છે અને સિંહો તેમજ નીલગાય આ પોઈન્ટ પર દરરોજ પાણી પીવા માટે આવે છે. આ ઉપરાંત રાજુલા અને જાફરાબાદમાં પણ ગરમીના કારણે ટેન્કરો આ પોઈન્ટમાં પાણી ભરવા માટે વધારે ચક્કર લગાવે છે. આ પાણીના પોઈન્ટમાં મોટાભાગના પોઈન્ટ ટેન્કર દ્વારા ભરવામાં આવે છે અને વાવડી વિસ્તારમાં આવેલો પોઈન્ટ પવન ચક્કી દ્વારા ભરવામાં આવે છે.