રાજસ્થાન રોયલ્સે આઇપીએલ માટે ટીમની નવી જર્સી કરી લોન્ચ…

11

ન્યુ દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૪ મી સીઝન માટે રાજસ્થાન રોયલ્સની ટીમે તેમની નવી જર્સી લોન્ચ કરી છે. રાજસ્થાન ટીમે તેના ટ્‌વીટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં કેપ્ટન સંજુ સેમસન ટીમની નવી જર્સીમાં જોવા મળી રહ્યો છે. સ્ટીવ સ્મિથના નેતૃત્વ હેઠળ રાજસ્થાનની ટીમનું પ્રદર્શન ગત સીઝનમાં કંઇ ખાસ હતું નહીં અને ટીમ પ્લે ઓફમાં તેમનું સ્થાન બનાવવામાં નિષ્ફળ ગઈ હતી.
આ વર્ષે હરાજીમાં રાજસ્થને ટીમમાં કેટલાક મજબૂત ખેલાડીઓનો સમાવેશ કર્યો હતો. રાજસ્થાનએ આ વખતે ક્રિસ મોરિસને રેકોર્ડ ૧૬.૨૫ કરોડ આપીને ખરીદ્યો, આ સિવાય ટીમમાં શિવમ દુબે, મુસ્તફિઝુર રહેમાન, લિયમ લિવિંગસ્ટોન જેવા સારા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજસ્થને સંજુ સેમસનને આઇપીએલ-૨૦૨૧ માટે તેનો નવો કેપ્ટન બનાવ્યો છે. જ્યારે ગત સિઝનમાં ટીમનું નેતૃત્વ કરનાર સ્ટીવ સ્મિથને હરાજી પહેલા જ છૂટો કરવામાં આવ્યો હતો.
રાજસ્થાન રોયલ્સની ટીમ આઇપીએલ-૨૦૨૦ની તળિયે હતી. ટીમે ૧૪ મેચમાંથી ફક્ત ૬ મેચ જીતી હતી. જ્યારે ટીમને ૮ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાનની બેટિંગ આ વખતે એકદમ મજબૂત લાગે છે. ટીમમાં બેન સ્ટોક્સ અને ડેવિડ મિલરના રૂપમાં બે મજબૂત સ્ટ્રાઈકર છે. જે કોઈપણ બોલિંગમાં હુમલો કરવાની શક્તિ ધરાવે છે. શિવમ દુબે અને ક્રિસ મોરિસ ટીમમાં સંતુલન લાવ્યા છે. જોકે, બોલિંગમાં જોફ્રા આર્ચર પ્રથમ કેટલીક મેચ માટે ટીમ માટે ઉપલબ્ધ રહેશે નહિ. પરંતુ આ છતાં રાજસ્થાનમાં સારા ફાસ્ટ બોલરોની લાંબી સૈન્ય છે.