રાજકોટમાં કોંગ્રેસને ફટકો, વોર્ડ ૧ના ઉમેદવાર વિજય જાનીએ ફોર્મ પરત ખેંચ્યું…

17

રાજકોટ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે પક્ષ પલટાની મોસમ પણ પુરબહારમાં ખીલી હોય તેમ લાગી રહ્યું છે. જેમાં કેટલાક નેતાઓ ટિકિટ ના મળવાથી નારાજ થઈને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે, ત્યારે રાજકોટમાં વોર્ડ-૧ના કોંગ્રેસ પ્રમુખ હર્ષાબા જાડેજાએ પોતાને ટિકિટ ના મળતા પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. આટલું જ નહીં, તેઓ પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા છે. જ્યારે વોર્ડ નંબર ૧ના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા હર્ષાબા જાડેજાએ પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, મેં કોંગ્રેસમાં વર્ષો સુધી કામ કર્યું હોવા છતાં મારી અવગણના કરવામાં આવી રહી છે. કોરોના કાળમાં પણ જરૂરિયાતમંદોને મદદ પહોંચાડી હોવા છતાં મને ટિકિટ આપવામાં આવી ના હોવાથી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. આ સિવાય રાજકોટના વોર્ડ નંબર ૧૪થી કોંગ્રેસના ઉમેદવાર વિજય જાનીએ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસની સ્થિતિ કફોડી બની ગઈ છે.
કોંગ્રેસના હજુ પણ કેટલાક કાર્યકર્તાઓ પાર્ટીથી અસંતુષ્ટ હોવાનું ધ્યાને આવતા ડેમેજ કંટ્રોલના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. હજુ પણ કેટલાક કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે, ત્યારે ભાજપના નેતાઓ સંપર્ક ના કરી શકે તે માટે કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ફોન સ્વીચ ઑફ કર્યાં છે. આ અંગે રાજકોટ કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે ભાજપના ઈશારે ક્રાઈમ બ્રાન્ચ અમારી પાર્ટીના ઉમેદવારોને ધમકાવી રહી હોવાનો આરોપ લગાવ્યો છે.