રક્ષાબંધનનો તહેવાર એટલે માતા સીતા અને તણખલા વચ્ચેનો ભાઈબહેનનો અનોખો પ્રેમ..!

તણખલા ને “ભૂમિજ” કહેવાય છે (એટલે કે જે ભૂમિની કુખમાંથી જન્મ પામ્યું છે) અને માં સીતાનો પણ જન્મ “ભૂમિમાં” થયો છે, જેના કારણે “ભૂમિજા” કહેવામાં આવે છે…


રક્ષાબંધન આવે છે ત્યારે આ વાત આપની સમક્ષ મૂક્યાં વિના આ ઉત્સવ અધૂરો પ્રતિત થાય છે એટલે આજે પવિત્ર ઉત્સવમાં આપની સમક્ષ મૂકું છું. એવું કહેવાય છે કે અશોવાટિકામાં રાવણને અવાંછિત રીતે નજીક ન આવે એટલા માટે વચ્ચે એક તણખલું રાખી દીધું હતું અને રાવણને ચેતવણી આપી હતી કે જો તું એટલો બધો સામર્થ્ય અને શક્તિશાળી હોય તો આ તણખલાં ને પાર કરીને બતાવ. આ એક નાજુક અને સામાન્ય તણખલાં પર કેટલો બધો અગાઢ, અતૂટ, શ્રદ્ધા અને વિશ્વાસનું કારણ શું હોઈ શકે? તણખલા ને “ભૂમિજ” કહેવાય છે (એટલે કે જે ભૂમિની કુખમાંથી જન્મ પામ્યું છે) અને માં સીતા નો પણ જન્મ “ભૂમિમાં” થયો છે. જેના કારણે “ભૂમિજા” કહેવામાં આવે છે. માતા સીતા એ પોતાની સાથે જન્મેલા એ તણખલાં ને પોતાનો સહોદર, જમીનમાંથી જન્મેલો ભાઈ માન્યો હતો અને માતા સીતા જાણતા હતા કે કોઈપણ ભાઈની ઉપસ્થિતિમાં કોઈપણ દુરાચારી રાવણમાં એટલી તાકાત કે સામર્થ્ય ન હતું કે એની બહેનને સ્પર્શ શુદ્ધા પણ કરી શકે.

રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઇ બદલે છે. માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. તેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે.રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આ જ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ-બહેનો માટે બનેલો છે. બળેવ એટલે બળ અને બલિ ઊભયની ભાવના જેમા પાયામાં પડી છે, ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે, પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે, એવા આ પવિત્ર દિવસે ભારતના ભડવીર સાગરખેડુ બનીને વહાણવટે ઊપડતા અને અખૂટ જળભંડારને ખોળે ખેલતાં નારિયેળ પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખૂંદી વળતા. આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ થતા. તે વખતે ઐક્ય સાથે ઉમંગની છોળો ઊડતી અને સાચા ભાતૃભાવનો પરિમલ પથરાઇ રહેતો.
ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવ-દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ. આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધી હતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે. હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે. શું રાખડી બાંધીને કોઇની રક્ષા ખરેખર થઈ શકે? મહત્વ રક્ષાબંધનનું નથી, મહત્વ છે અંતરના જે અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે.
 આવો ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર બની રહેવો ન જોઇએ. ભાઇને મન રાખડી બંધાવવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી, બહેનને શક્તિ અનુસાર કંઇક આપી છૂટવું, અને બહેને ભાઇ પાસેથી કંઇ મેળવવાનો હક્ક પૂરો કરવો. આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે, એનું મહત્વ નથી, ભાઇ-બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્વનું છે.
ભગવાન વિશ્વની તમામ બહેનોને ભાઈના સ્વરૂપમાં આ ભરોસો આપે અને ભાઈ પણ પોતાનો ભરોસો કાયમ બનાવી રાખે એવી આશા સાથે મારા તમામ મિત્રોને રક્ષાબંધન ના પાવન પર્વની શુભકામનાઓ.

  • પિન્કેશ પટેલ : “કર્મશીલ ગુજરાત