મ.પ્રદેશના બાલાઘાટ બેઠકના અપક્ષ ઉમેદવારની ચૂંટણીપંચ સમક્ષ અજબ માંગણી ચૂંટણી પંચ ચૂંટણી લડવા ૭૫ લાખ આપે અથવા કિડની વેચવા માટે મંજૂરી આપે

મધ્ય પ્રદેશના બાલાઘાટ બેઠકના અપક્ષ ઉમેદવાર કિશોર સમ્રિતે ચૂંટણી પંચ સમક્ષ અજબ માગણી કરી છે. કિશોરે ચૂંટણી પંચને વિનંતી કરી છે કે ચૂંટણી પંચ તેમને ચૂંટણી લડવા માટે ૭૫ લાખ રૂપિયા આપે અથવા તો તેમની કિડની વેચવા માટે મંજૂરી આપે.
સમ્રિતે જિલ્લા ચૂંટણી અધિકારી દિપક આર્યાને પત્ર લખીને જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના ખર્ચ માટે ૭૫ લાખ રૂપિયાની મર્યાદા રાખી છે. મારી પાસે ચૂંટણી લડવા માટે નાણાં નથી. હું ચૂંટણી પંચને વિનંતી કરું છું કે તેઓ મને ૭૫ લાખ રૂપિયા આપે અથવા તો ચૂંટણી પંચ કોઇ બેંક પાસેથી મને આટલા રકમની લોન અપાવી દે. જા ચૂંટણી પંચ મને નાણાં આપવા માટે સક્ષમ ન હોય તો મને મારી કિડની વેચવા માટે મંજૂરી આપી દે.
સમ્રિતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મેં ચૂંટણી પંચને પત્ર લખ્યો છે કેમકે હું ચૂંટણી પ્રચાર માટે નાણાં એકત્ર કરવા માટે સક્ષમ નથી. ચૂંટણી પ્રચાર ૧૫ દિવસમાં સમાપ્ત થઇ જશે. હું આટલા ઓછા સમયમાં ૭૫ લાખ રૂપિયા એકત્ર કરી શકું તેમ નથી. મારા વિરોધીઓ ભ્રષ્ટાચારીઓ છે. તેમણે લોકોની પાસેથી ખંડણી માંગી નાણાં એકત્ર કરી લીધા છે. હું આ વિસ્તાર અને ગરીબોનો વિકાસ માટે કરવા માગુ છું.