મોબાઈલ પર ઈન્ટરનેટ ડેટા વાપરવામાં ભારતના લોકો અમેરિકનો કરતા પણ આગળ…

૨૦૧૮માં દરેક મોબાઇલ ધારકે દર મહિને સરેરાશ આઠ જીબી ડેટાનો ઉપયોગ કર્યો…

ભારતમાં હવે સસ્તા થઈ ગયેલા ઈન્ટરનેટ પ્લાનના કારણે મોબાઈલ ફોન પર ઈન્ટરનેટ વાપનારા લોકોની સંખ્યામાં તો વધારો થયો જ છે પણ મોબાઈલ પર ડેટા વપરાશ પણ વધી ગયો છે.
૨૦૧૮ના વર્ષમાં દરેક મોબાઈલ ધારકે દર મહિને સરેરાશ ૮ જીબી ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ કર્યો છે.જે ૨૦૧૭ના મુકાબલે ૭૫ ટકા વધારે છે.
ભારતે આ મામલે અમેરિકા, બ્રિટન અને સિંગાપોર જેવા દેશોને પણ પાછળ રાખી દીધા છે. અમેરિકનો દર મહિને સરેરાશ ૪ જીબી, સાઉથ કોરિયાના લોકો ૬ જીબી, જાપાનીઓ ૪.૫ જીબી અને સિંગાપોરના નાગરિકો ૩ જીબી ડેટા વાપરે છે.
ટ્રાઈ એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે ૨૦૧૮માં ઈન્ટરનેટના ઉપયોગમાં ૪૦ ટકાનો વધારો થયો છે અને ૨૦૧૪ના મુકાબલે મોબાઈલ ઈન્ટરનેટ ૯૬ ટકા સસ્તુ થયુ છે.
ટેલિકોમ કંપનીઓની કમાણી ૨૦૧૮માં ૪૧ ટકા વધીને ૫૪૫૭૧ કરોડ રુપિયા પર પહોંચી છે.જો સરેરાશ આવકની વાત કરવામાં આવે તો કંપનીઓની આવક ૨૦૧૬ અને ૨૦૧૭માં ઓછી થયા બાદ ૨૦૧૮માં વધી છે. એરટેલે પ્રતિ ગ્રાહક ૧૨૭ રુપિયાની કમાણી કરી છે. જીઓએ ૧૨૨ અને વોડાફોને ૧૦૮ રુપિયા કમાણી કરી છે.