મોદી વિરૂદ્ધ ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ તેજબહાદુરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

વારાણસીમાં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ઉમેદવારીપત્ર રદ્‌ કરવાના ચૂંટણી પંચના નિર્ણયને તેજ બહાદુર યાદવે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. બીએસએફના ભૂતપૂર્વ જવાન તેજ બહાદુર યાદવ પર જાણકારી છુપાવવાના આરોપમાં કાર્યવાહી કરતા ચૂંટણી પંચે તેમનું ઉમેદવારીપત્ર રદ્‌ કર્યું હતું.
તેજબહાદુર યાદવે બીએસએફમાં સેવા આપતી વખતે ત્યાંના ખોરાક પર સવાલ ઉઠાવ્યા હતાં અને સેનાની વ્યવસ્થાને પડકારી હતી. તેજબહાદુરનો વીડિયો પૂરા દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વારાણસીમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઉમેદવારી નોંધાવતી વખતે તેજ બહાદુર યાદવને બીએસએફમાંથી સસ્પેન્શન છુપાવવાનું ભારે પડી ગયું.
તેજબહાદુરે પહેલાં વારાણસી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે નામ નોંધાવ્યું હતું જેના સોગંદનામામાં તેમણે જણાવ્યું હતું કે તેમના પર ભ્રષ્ટાચારના આરોપોના કારણે તેમને બીએસએફમાંથી કાઢવામાં આવ્યાં હતાં. જાકે સમાજવાદી પાર્ટી તરફથી બીજી વખત ઉમેદવારી નોંધાવતી વખતે સોગંદનામામાં તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો નહોતો. આને આધાર ગણીને ચૂંટણી પંચે તેજ બહાદુરની ઉમેદવારી રદ્‌ કરી દીધી હતી.