મેલાનિયા ટ્રમ્પને છૂટાછેડા આપે તેવી કોઇ સંભાવના નથી : ભૂતપૂર્વ સલાહકાર

USA : અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર બાદ બહાર આવ્યું છે કે તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ ટૂંક સમયમાં જ છૂટાછેડા લઈ શકે છે. મીડિયા રિપોટ્‌ર્સમાં કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ મેલાનિયા તેમના ૧૫ વર્ષ જૂના સંબંધોને તોડી નાંખશે. હવે મેલાનિયાના પૂર્વ સલાહકાર સ્ટેફની વિન્સ્ટન વૉકઑફએ છૂટાછેડાના સમાચારો અંગે મોટો દાવો કર્યો છે.
મેલાનિયા ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર સ્ટેફની વિન્સ્ટન વૉકઑફએ દાવો કર્યો છે કે મેલાનિયા ડોનાલ્ડ ટ્રમ્પને છૂટાછેડા આપે તેવી સંભાવના નથી. તેમણે કહ્યું, “ડોનાલ્ડ ટ્રમ્પના પદ છોડ્યા બાદ મેલાનિયા તેમને પોતાના પ્રોજેક્ટસમાં સામેલ કરશે અને તેમનાથી અલગ થવાની કોઇ યોજના બનાવી રહ્યા નથી.
આપને જણાવી દઇએ કે સ્ટેફનીએ ફેબ્રુઆરી ૨૦૧૮ સુધી વ્હાઇટ હાઉસમાં મેલાનિયાના સલાહકાર તરીકે કામ કર્યું હતું. સ્ટેફની પહેલી વખત મેલાનિયાને ત્યારે મળ્યા હતા જ્યારે તેઓ ૨૦૦૩ની સાલમાં ડોનાલ્ડ ટ્રમ્પને ડેટ કરી રહ્યા હતા. તાજેતરમાં જ સ્ટેફનીએ ‘મેલાનીયા એન્ડ મીઃ ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ માઇ ફ્રેન્ડશીપ વિથ ધ ફર્સ્ટ લેડી’ પુસ્તકમાં ઘણાં ઘટસ્ફોટ કર્યા હતા.
પેજ સિક્સે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે મેલાનિયાના આ પ્લાનિંગમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સાથ આપી રહ્યા છે અને તેમને આ કામ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. રિપોર્ટમાં કહ્યું હતું કે મેલાનિયા ટ્રમ્પની આ ‘સ્ટોરી’ એક મોટી રકમ એકત્રિત કરી શકે છે.

  • Nilesh Patel