મેઘરાજાની મધ્ય ગુજરાતમાં રી-એન્ટ્રી… છોટાઉદેપુરમાં સૌથી વધુ ૭ ઇંચ વરસાદ…

હાલોલમાં ૬.૫ ઇંચ વરસાદ, પાંચ દિવસ બાદ ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રિય બને તેવી શક્યતા…

છોટાઉદેપુર,
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ગુજરાતમાં મોડીરાતથી અમદાવાદ, સુરત અને વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સવારે ૬થી બપોરે ૨ વાગ્યા સુધીમાં છોટાઉદેપુરમાં સૌથી વધુ ૭ ઇંચ અવે પંચમહાલના હાલોલમાં ૬.૫ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના કારણે નદી નાળા છલકાયા છે. નદી કાંઠાના વિસ્તારોમાં અને ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.
અરબી સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતમાં ૫ દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે. જોકે ૫ દિવસ બાદ ફરીથી વરસાદ સિસ્ટમ સક્રિય બને તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ૨૯ ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અને ત્યાર બાદ બે દિવસ મધ્યમથી સામાન્ય વરસાદ પડી શકે છે. ગુજરાતમાં અત્યાર સુધી ૫૧ તાલુકાઓમાં સિઝનનો ૪૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના કેટલા જિલ્લાઓમાં મોડીરાતથી વરસાદ શરૂ થયો છે. ગુજરાતના ૫૧ તાલુકાઓમાં સિઝનનો ૪૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ૧૧૩ તાલુકાઓમાં ૨૦ ઇંચથી ૪૦ ઇંચ, ૮૧ તાલુકાઓમાં ૧૦થી ૨૦ ઇંચ અને ૬ તાલુકાઓમાં ૫થી ૧૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
છોટાઉદેપુરનાં ક્વાંટમાં ૬ ઇંચ, પંચમહાળનાં હાલોલમાં ૬.૫ ઇંચ, છોટાઉદેપુરનાં પાવી જેતપુરમાં ૬.૫ ઇંચ, છોટાઉદેપુરમાં ૭ ઇંચ, પંચમહાલનાં જાંબુઘોડામાં ૨.૫ ઇંચ, આણંદમાં ૩.૫ ઇંચ, વડોદરામાં ૨ ઇંચ વરસાદ નોંધાયો હતો.