મુકેશ-અનિલ અંબાણી અને તેમના પરિવાર પર સેબીએ ફટકાર્યો ૨૫ કરોડનો દંડ…

8

મુંબઈ : ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ (સેબી)એ મુકેશ અંબાણી, અનિલ અંબાણી અને નવ અન્ય વ્યક્તિઓ અને કંપનીઓને ૨૫ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ટેકઓવર કોડ રેગુલેશનના ભંગ અને શેરહોલ્ડિંગમાં અનિયમિતતાના કિસ્સામાં આ દંડ લાદવામાં આવ્યો છે. સેબીએ તેના ૮૫ પાના આદેશમાં કહ્યું છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમોટરો અને આ કેસમાં સામેલ અન્ય સંબંધિત લોકોએ કંપનીની અંદાજે ૭ ટકા હિસ્સોનું સંપાદન કરવાની વાત સાચી રીતે નથી બતાવી.
આ કેસ જાન્યુઆરી ૨૦૨૦નો છે, જ્યારે ૧૯૯૪માં જારી કરાયેલા ૩ કરોડ વોરંટના કન્વર્ઝન દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રમોટરોનો હિસ્સો ૬.૮૩ ટકા વધારી હતી. આક્ષેપ એવો છે કે, તેમા પ્રમોટર ગૃપ દ્વારા સેબીના રેગ્યુલેશન્સ ૧૯૯૭ ના નિયમો મુજબ ઓપન ઓફર ન લાવવામાં આવી, નિયમ પ્રમાણે, જ્યારે કોઈ પ્રમોટર જૂથ ૫ ટકાથી વધુનો હિસ્સો લે છે ત્યારે તે જ નાણાકીય વર્ષમાં માઈનોરિટી રોકાણકારો માટે ખુલ્લી ઓફર લાવવાની હોય છે.
સેબીએ તેના આદેશમાં કહ્યું છે કે, પ્રમોટર જૂથ અને અન્ય આરોપીઓએ ટેકઓવર રેગ્યુલેશન ૧૧ (૧)નું ઉલ્લંઘન કર્યું છે. સેબીએ આ માટે મુકેશ અંબાણી, અનિલ અંબાણી, કોકિલાબેન અંબાણી, નીતા અંબાણી, ટીના અંબાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હોલ્ડિંગ, રિલાયન્સ રિયલ્ટી અને ઘણા અન્ય લોકો અને કંપનીઓ પર ૨૫ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દરેકને મળીને આ દંડ ચૂકવવો પડશે. જો ઓર્ડરના ૪૫ દિવસની અંદર દંડ આપવામાં નહીં આવે તો સેબી આ લોકો સામે કાર્યવાહી કરશે.